Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : અગરિયાના ભુલકાઓ વર્ગખંડમાં નહીં, પણ વેરાન રણમાં મોડીફાય કરેલી બસમાં મેળવે છે શિક્ષણનું ભાથું

સુરેન્દ્રનગર : અગરિયાના ભુલકાઓ વર્ગખંડમાં નહીં, પણ વેરાન રણમાં મોડીફાય કરેલી બસમાં મેળવે છે શિક્ષણનું ભાથું
X

ગુજરાત રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં જૂની એસ.ટી. બસોને મોડીફાય કરીને 35 અદ્યતન રણ બસ શાળા બનાવવામાં આવી છે. જેમાં અગરિયાના 340 જેટલા ભુલકાઓ પ્રાથમિક શિક્ષણનું ભાથું મેળવી રહ્યાં છે.

આ રણ બસ શાળામાં બસની નીચેની સાઇડમાં ડીઝલની ટાંકી પાસે એક મોટું ખાનુ બનાવી એમાં સીન્ટેક્સની ચોરસ ટાંકી ફીટ કરી અગરિયા ભુલકાઓને પીવાના પાણી માટે એમાં નળ પણ મુકવામાં આવેલા છે. આ રણ બસ શાળામાં 18થી 24 ભુલકાઓ બેસી શકે એવી વ્યવસ્થા સાથે બન્ને સાઇડ 4-4 મળી કુલ 8 પંખા અને 6 એલઇડી લાઇટ મુકવામાં આવી છે. અને બસની ઉપર 300-300 વોટની 5 સોલાર પેનલો લગાવેલી છે. જેનાથી રણમાં આખો દિવસ આ રણ બસ શાળાના તમામ પંખા, લાઇટ અને ટેલિવિઝન ચાલુ રાખવા પુરતી વિજળી મળી શકે. આ રણ બસ શાળામાં એક મોટું ગ્રીન બોર્ડ અને કુલ 6 સોફ્ટ બોર્ડ કે જેમાં અગરિયા ભુલકાઓએ દોરેલા ચિત્રો અને પેઇન્ટિંગ પણ લગાવી શકાય. આ રણ બસ શાળાની અંદર ઘડીયા, સાદા દાખલા સહિત અગરિયા ભુલકાઓને ઉપયોગી એવા વિવિધ ચાર્ટ પણ લગાવેલા છે.

આ રણ બસ શાળામાં કાચની બારીની જગ્યાએ લોઅર્સ લગાવેલા છે, જેનાથી રણમાં પવન અને તડકાને ઉપર નીચે કરીને કન્ટ્રોલ કરી શકાય છે. બસની અંદર વૃક્ષો અને કાર્ટૂન મૂકી સુંદર રીતે ડેકોરેટ પણ કરવામાં આવી છે. અંદાજે સવા 2 કરોડના ખર્ચે બનનારી આ 30 રણ બસ શાળાની બહાર આઇન્સ્ટાઇન, બેડમિંટન ચેમ્પિયન સાનિયા નહેવાલ, બોક્સીંગ ચેમ્પિયન મેરીકોમ અને સ્વામી વિવેકાનંદ જેવી પ્રેરણા મૂર્તિના ફોટા અને કોટ પણ મુકવામાં આવ્યા છે. બસની પાછળન‌ા ભાગમાં અગરિયા ભુલકાઓને બસમાં ચઢવા માટેની સીડી પણ એડજેસ્ટેબલ છે, જે ધક્કો મારો તો અંદરની સાઇડ જતી રહે અને ખેંચો તો બહારની સાઇડ નીકળી જાય છે. જોકે, થોડા સમય અગાઉ રણમાં યુ.કે.થી આવેલી એક સંસ્થાએ રણ તંબુશાળાનો દેશની 10 દુર્લભ શાળામાં સમાવેશ કર્યો હતો. પરંતુ રણમાં મીઠું પકવતા અગરિયા ભુલકાઓ બસશાળામાં શિક્ષણ મેળવી રહ્યાં છે. આથી દેશની 10 દુર્લભ શાળામાં પસંદગી પામેલી રણ તંબુશાળા હવે ભૂતકાળ બની છે. ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલુ વર્ષથી રણમાં મીઠું પકવતા અગરિયા ભુલકાઓને એસ.ટી. નિગમની જૂની મોડીફાય કરેલી બસમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલમાં રણના 400 જેટલા અગરિયા ભુલકાઓને રણબેઠા બસશાળામાં પ્રાથમિક શિક્ષણનું ભાથું અપાઇ રહ્યું છે.

Next Story