પાટડી નાવિયાણી પાસે માર્ગ અકસ્માત
ત્રણ યુવકોને અડફેટમાં લેતો અજાણ્યો વાહન ચાલક
બે સગાભાઇ સહિત ત્રણના નિપજ્યા કરૂણ મોત
બે ભાઈઓનો નોકરી પર હતો પહેલો જ દિવસ
પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની હતી, બાઈક સવાર ત્રણેય યુવકોને અજાણ્યો વાહન ચાલક અડફેટમાં લઈને ફરાર થઈ ગયો હતો. સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે સગાભાઈ સહિત ત્રણ યુવકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા.
સુરેન્દ્રનગર: બાઇક સવાર બે સગાભાઈ સહિત ત્રણ યુવકોને ફંગોળીને અજાણ્યો વાહન ચાલક ફરાર, અકસ્માતમાં ત્રણેય યુવકનાં કરૂણ મોત pic.twitter.com/YaonnfIoFh
— ConnectGujarat (@ConnectGujarat) December 11, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના એરવાડા ગામના બે સગાભાઈ ટીના નરશીભાઈ દેવીપૂજક અને મયુર નરશીભાઈ દેવીપૂજક તેમજ સંજય ભાથીભાઈ ઠાકોર ત્રણેય યુવકો બેચરાજી કંપનીમાં નોકરી પર કામ કરવા જતા હતા,તે દરમિયાન માર્ગમાં જ કાળ તેમને ભરખી ગયો હતો,અને જાણવા મળ્યા મુજબ બે સગાભાઇઓનો આજે નોકરી પર પહેલો જ દિવસ હતો.
આ ત્રણ યુવકો વહેલી સવારે એરવાડાથી બેચરાજી ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા. આ દરમિયાન નાવિયાણી ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઈક ફંગોળાઇ ગયું હતું. ત્રણેય યુવકો રોડ પર પટકાતા માથું ધડથી અલગ થઈ ગયું હતું,અને શરીરના છૂંદા નીકળી ગયા હતા.
અકસ્માતની જાણ થતા હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકો અને હાઇવે પર ભેગા થયેલા લોકોએ પોલીસ અને 108ને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.