Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..!

ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર મહિલાઓએ પાણીના પ્રશ્ને રસ્તા પર ચક્કાજામ કરતા અસંખ્ય વાહનો અટવાયા હતા. તંત્ર દ્વારા લીંબડીના અંકેવાળીયા ગામ સહિત આસપાસના ગામોમાં પાણી પૂરું પાડવામાં ન આવતા મહિલાઓ અને રહીશોએ ચક્કાજામ કરી ભારે ઉહાપોહ સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ નજીક સ્થાનિક મહિલાઓએ પાણી મુદ્દે રસ્તા પર ચક્કાજામ કરી હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા અફરાતફરી મચી જવા પામી હતી. ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે. મહિલાઓ ખરા બપોરે 42 ડીગ્રીના તાપમાનમાં માથે બેડા લઇ પીવાના પાણીની એક એક બૂંદ માટે દૂર દૂર સુધી વલખા મારતી નજરે પડે છે.

અને હાલમાં કાળઝાળ ગરમીમાં મહિલાઓમાં બેડા યુદ્ધના દ્રશ્યો સહજ બન્યા છે, ત્યારે લીંબડીના અંકેવાળીયા ગામ સહિત આસપાસના ગામોમાં લાગતા વળગતા તંત્ર દ્વારા અનેકો રજૂઆત કરવા છતાં પીવાનું પાણી પૂરું પાડવામાં ન આવતા રોષે ભરાયેલી મહિલાઓ અને રહીશોએ હાઇવે પર ચક્કાજામ કરી ભારે ઉહાપોહ સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા. હાઇવે પર ચક્કાજામ સાથે વિરોધ કરી રહેલી મહિલાઓએ હાઇવે પર આખા રસ્તામાં વચ્ચોવચ્ચ બેસી જઇ તંત્ર વિરુદ્ધ છાજીયા લેવાની સાથે માટલા ખખડાવી સૂત્રોચ્ચારો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જેના પગલે હાઇવે પર રોડની બન્ને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેમાં હાઇવે પર વાહનોમાં દવાખાને જતા દર્દીઓ સહિત લગ્ન પ્રસંગ કે, કોઇ સારા-નરસા પ્રસંગે બહારગામ જતા લોકોના વાહનો રસ્તામાં અટવાતા વાહનચાલકો પણ રોષે ભરાયા હતા, ત્યારે વહેલી સવારથી લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે પર ચક્કાજામ થતાં મહિલા પોલીસ સહિત લીંબડી પોલીસ મથકનો કાફલો હાઇવે પર દોડી આવ્યો હતો, જ્યાં પીવાનું પાણી પૂરું પાડવાની માંગ સાથે મહિલાઓએ ચક્કાજામ કરી તંત્ર અને સરકાર સામે રોષ દાખવ્યો હતો.

Next Story