અષાઢ મહિનાના અંતિમ ચરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે. સાર્વત્રિક વરસાદના પગલે નદીઓ તથા જળાશયોમાં નવા નીર આવ્યાં છે જયારે ખેતીલાયક વરસાદથી ખેડુતોમાં પણ નવી આશાનો સંચાર થયો છે....
ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે અને ધરતીમાતાએ લીલી સાડી પહેરી હોય તેવો માહોલ લીલોતરીના કારણે જોવા મળી રહયો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેર વરસાવી રહયાં છે. અમરેલીથી જાફરાબાદ વચ્ચેના કોસ્ટલ બેલ્ટ ઉપરાં નાગેશ્રી, હેમાળ, કડીયાળી, વઢેરા, રોઇશા સહિતના વિસ્તારોમાં મેહુલિયો મન મુકીને વરસી રહયો છે.
નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઔરંગા નદીમાં નવા નીર આવ્યાં છે અને નદી બે કાંઠે વહેતી થઇ છે. નદીના જળસ્તરમાં વધારો થતાં ખેરગામ તાલુકામાં આવેલાં નાંધાઇ ગામનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ગરગડીયા પુલ પાણીમાં ડુબી જતાં ગામલોકોનો વલસાડ સાથેનો સંપર્ક તુટી ગયો છે.
મહીસાગર જિલ્લામાં પણ ચોમાસાની જમાવટ થઇ છે. જિલ્લાના મુખ્યમથક લુણાવાડા સહિત કડાણા, ખાનપુર, બાલાશિનોર, વિરપુર અને સંતરામપુરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે. કડાણામાં તાલુકામાં સૌથી વધારે 90 મીમી જયારે બાલાશિનોર તાલુકામાં સૌથી ઓછો 39 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે કડાણા અને ભાદર ડેમમાં નવા નીર આવી રહયાં છે.