રથયાત્રા દરમિયાન લોકોમાં ભય ફેલાય અને બે કોમ વચ્ચે તંગદિલી વધે તેવા આશયથી અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આતંકી હુમલો થયો તેવા ભ્રામક અને ખોટા સમાચાર યુ ટ્યુબ ચેનલો પર પ્રસારિત કરતા પાંચ ખાનગી યુ ટ્યુબ ચેનલ ના માલિકો સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરીને ત્રણની ધરપકડ કરી છે.
પોલીસને કેટલીક યુ ટ્યુબની ચેનલોની લિંક મળી હતી જેમાં ખોટા સમાચાર, રથયાત્રામાં આતંકવાદી હુમલો થયો જેમાં 20 લોકો ઘાયલ થયા બે બાળકો દટાઈ ગયા, રથયાત્રામાં આગ લાગતા બધુ સળગી ગયું, રથયાત્રામાં થયો મોટો ધડાકો, આખું દ્વારકા ભારે વરસાદમાં તણાઈ ગયું જેવી માહિતી યુ ટ્યુબ પર અપલોડ કરનારા યુ ટ્યુબ ચેનલ ના પાંચ સંચાલકો સામે ગુનો નોંધી સુરેશભાઈ પરમાર, સુરેશ લુહાર અને આનંદ દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે જીગર ધામેલિયા, તારાભાઈ ઘાંચીની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પૈકી સુરેશ પરમાર કરિયાણાની દુકાન ધરાવે છે, સુરેશ લુહાર અને જીગર ધામેલિયા અભ્યાસ કરે છે. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આરોપીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પૈસા કમાવાની લાલચમાં આ યુ ટયુબ ચેનલો બનાવી હતી જેમાં સનસનાટી ફેલાવી પોતાની ચેનલ ને વધુ લાઈક મળે તે માટે ખોટા ભ્રામક સમાચારો પ્રસારિત કર્યા હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ. આરોપીઓ પૈકી સુરેશ પરમાર યુ ટ્યુબ ચેનલ થકી વાર્ષિક એક લાખની, સુરેશ લુહાર 60 હજારની અને જીગર ધામેલિયા વાર્ષિક દોઢ લાખની કમાણી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.