Connect Gujarat
ગુજરાત

રાજયમાં ત્રણ સ્થળે ગમખ્વાર અકસ્માત, કુલ 5 લોકોના મોત

X

રાજ્યમાં આજે રવિવારનો દિવસ ગોજારો સાબિત થયો છે. આજે ત્રણ અલગ-અલગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ગુજરાત માટે આજે રવિવારનો દિવસ ગોજારો સાબિત થયો છે. આજે ત્રણ અલગ-અલગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડોદરાના જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યા વાહનચાલકે બાઈક સવાર દંપતિને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતમાં મહિલાના પતિનો આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જાતા હાઈવે પર 10થી 15 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો.

ભરૂચ જીલ્લામાં પણ આજનો દિવસ અકાળ બન્યો હતો. લગ્ન પ્રસંગમાં જાનૈયાઓને સંગીતના સુરે ઝુમાવી જંબુસરનું બેન્ડ પરત ફરી રહ્યું હતું ત્યારે સાત ઓરડી ફાટક નજીક બેન્ડનો ટેમ્પો બેકાબુ બન્યો હતો. વાહન ચાલકનો કાબુ ન રહેતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. ઘટનામાં ટેમ્પોમાં સવાર 15 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ૧૦૮ એમ્યુલન્સને કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્તો પૈકી એકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

બીજી બાજુ આજે પાલનપુરના કાણોદર નજીક એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 3 લોકોના મોત અને 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત એવી છે કે, કાણોદર નજીક ઉભેલી એક ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં 15 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે, મોતનો આંક હજુ વધે તેવી શક્યતાઓ છે.

Next Story