શહેર તથા જીલ્લામાં 2 અલગ અલગ દુર્ઘટના સર્જાય
આગ લાગવા સહિત અકસ્માતની ઘટનાઓ સામે આવી
ટેમ્પોમાં રહેલા જનરેટરમાં આગ લાગતાં અફરાતફરી
ફટાકડાનું તણખલું લાગતાં સર્જાય આગ લાગવાની ઘટના
ટ્રક ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત
વલસાડ શહેર તથા જીલ્લામાં આગ લાગવા સહિત અકસ્માતની અલગ અલગ ગંભીર ઘટનાઓ સામે આવી છે. જેમાં ટેમ્પોમાં રહેલા જનરેટરમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી, જ્યારે ટ્રક ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં ગત મોડી રાત્રે ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની હતી. ફટાકડા ફોડવાના કારણે તણખલું ટેમ્પોમાં મુકવામાં આવેલ જનરેટર પાસેના કપડામાં આગ લાગતા જનરેટર અને ટેમ્પો બન્ને આગની જ ઝપેટમાં આવ્યા હતા. બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતા, જ્યારે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી જતાં લોકોએ રાહત અનુભવી હતી.
તો બીજી તરફ, વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઇવે પર બાઈક અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં બાઈક સવારને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાના પગલે બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ભેગા થયેલા લોકટોળાએ ભારે હોબાળો મચાવી માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.