ભારે પવન ગાજવીજ સાથેના વરસાદે વેર્યો વિનાશ
મોડી રાતે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત
વીજ પોલ અને ઝાડ ધરાશાયી થતા નુકસાન
ગરબાના ડોમ પણ ઉડતા આયોજકોમાં ચિંતા
વહીવટી તંત્ર અને ડિઝાસ્ટરની ટીમ થઇ સક્રિય
વલસાડમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા.તેમજ જ ગોકુળ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રીમાં પવનના જોરથી ડોમ ઉડવાની પણ ઘટના બની હતી.
વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને નવરાત્રિના આયોજનોને ભારે નુકસાન થયું હતું, જેના પગલે મોટાભાગના ગરબા રદ કરવા પડ્યા હતા.
વરસાદ અને ભારે પવનને કારણે નવરાત્રિના અનેક મંડપ અને ડોમ ધરાશાયી થયા હતા. ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઓરકેસ્ટ્રા માટે બનાવેલો ડોમ ઉડી ગયો હતો, જેમાં એક યુવકને ઈજા પહોંચી હતી. તેવી જ રીતે, અનાવિલ સમાજ દ્વારા આયોજિત ડોમ નવરાત્રિમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું.
વલસાડના તિથલ રોડ પર આવેલી આર.એમ. ડેસ્ટિની ખાતે શેરી ગરબા માટે માતાજીની સ્થાપનાનો મંડપ પણ ધરાશાયી થયો હતો. ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઈટ્સ સોસાયટીમાં નવરાત્રિ આયોજનના નાસ્તાના સ્ટોલ, શેડ અને લાઈટિંગના ભાગ તૂટી પડ્યા હતા. આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી કારો અને અન્ય વાહનોને ભારે નુકસાન થયું હતું, જેમાં કારના કાચ પણ તૂટી ગયા હતા.
વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ધનભુરા રોડ પર વીજળીનો થાંભલો તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. આરપીએફ ગ્રાઉન્ડ પાસે અને સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ઝાડ પડવાની ઘટનાઓ બની હતી, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે પાર્ક કરેલી બાઈકને નુકસાન થયું હતું.આ ઘટનાઓની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગની ટીમો સક્રિય થઈ હતી.