Connect Gujarat
ગુજરાત

વલસાડ : GMERS મેડીકલ કોલેજ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજના સહયોગથી મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ : GMERS મેડીકલ કોલેજ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
X

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજના સહયોગથી મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કામકાજના સ્‍થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.ચાવડાએ પોલીસ મહિલાઓને કઇ રીતે મદદરૂપ બની શકે તેની વિસ્‍તૃત જાણકારી આપી જણાવ્‍યું હતું કે, કોઇપણ વિકટ પરિસ્‍થિતિમાં ૧૦૦ નંબર ડાયલ કરવાથી પોલીસ મહિલાઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડશે. આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી એસ.આઇ.કણઝરીયાએ કામકાજના સ્‍થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-વિશે વિગતવાર સરળ ભાષામાં સમજણ આપી જરૂરિયાતના સમયે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ફિલ્‍ડ ઓફિસર ડૉ. પી.એમ.વાઘેલાએ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપી તેનો યોગ્‍ય લાભ લેવા અને અન્‍યને લાભ અપાવવા જણાવ્‍યું હતું.

આ ઉપરાંત શાહ કે.એમ. લો કોલેજના ઇ.ચા. આચાર્યા ડો. નિકેતા રાવલે મહિલાલક્ષી વિવિધ કાયદાઓની જાણકારી આપી હતી. પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર-વલસાડના જાગૃતિ ટંડેલે તેમના સેન્‍ટર વિશે મહિલાઓને માહિતગાર કર્યા હતા. સખી વન સ્‍ટોપ સેન્‍ટર વલસાડના કેન્‍દ્ર સંચાલક ગીરીબાળા આચાર્ય દ્વારા સખી વન સ્‍ટોપ સેન્‍ટર યોજનાની માહિતી આપી મુશ્‍કેલીના સમયે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ૧૮૧ મહિલા અભયમ હેલ્‍પલાઇન વલસાડના કાઉન્‍સેલર કંચન ટંડેલે હેલ્‍પલાઇનની માહિતી આપી મહિલાઓને ૧૮૧ મહિલા અભયમ હેલ્‍પલાઇનની મોબાઇલ એપ ડાઉનલોડ કરાવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના એડીશનલ ડીન ડો. પારેખ, મેડીકલ કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ મહિલા વિંગની અલગ-અલગ યોજનાના કર્મચારીઓ હાજર રહયા હતા.

Next Story