-
પોલીસ વિભાગ દ્વારા “મિશન મિલાપ” અભિયાન હાથ ધરાયું
-
એસપી ડો. કરણરાજ વાઘેલાની આગેવાનીમાં સમગ્ર અભિયાન
-
ઘરેથી ભાગી ગયેલા-અપહરણ થયેલાઓની શોધખોળ કરાય
-
400થી વધુ લાપતા લોકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું
-
પોલીસે નિભાવેલી સામાજિક જવાબદારીની ઠેર ઠેર પ્રસંસા થઈ
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતી પોલીસનો માનવીય ચહેરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 20 વર્ષથી ઘરેથી ભાગી ગયેલા અને અપહરણ થયેલા 400થી વધુ લાપતા લોકોને તેમના પરિવાર સાથે પોલીસે મિલન કરાવી સામાજિક જવાબદારી નિભાવી છે.
છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં અપરણ અને બાળકો સહિત પુખ્ત વયના લોકો પણ ગુમ થવાની ઘટનાઓ વધી રહી હતી. પોલીસ ચોપડે આવા કિસ્સાઓ ધ્યાનમાં આવતા વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં છેલ્લા 20 વર્ષમાં લાપતા થયેલા, ઘરેથી ગુમ થયેલા અને અપહરણ થયેલા લોકોને શોધવા માટે વિશેષ મિશન મિલાપ અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત અત્યાર સુધી વલસાડ જિલ્લા પોલીસે 112 બાળકો જેમાં 76 સગીરાઓ, પુખ્ત વયની મહિલા અને પુરુષો મળી 400થી વધુ લોકોને શોધી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
વલસાડ જિલ્લા પોલીસના આ અનોખા અભિયાનની ચોમેર પ્રશંસા થઈ રહી છે. ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વલસાડ જિલ્લા પોલીસના આ અભિયાનને બિરદાવી અભીનંદન પાઠવ્યા હતા. તો વલસાડ જિલ્લા પોલીસે આ અભિયાન અંતર્ગત ગુમ લોકોને શોધવા ન માત્ર વલસાડ જિલ્લો કે, ગુજરાત રાજ્ય પરંતુ દેશના ખૂણે ખૂણેથી હ્યુમન ઈન્ટેલિજન્સ અને બાતમી સાથે જે તે વિસ્તારની સ્થાનિક પોલીસના સહયોગથી આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આથી છેલ્લા 20 વર્ષમાં વલસાડ જિલ્લામાંથી ગુમ થયેલા અને ઘરેથી ભાગી ગયેલા મોટાભાગના કેસનો નિકાલ લાવી પોલીસે સરાહનીય કામગીરી કરી બતાવી છે.