વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓને ગતિવિધિ તેજ બની છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રના રાજકારણને એપી સેન્ટર માનવામાં આવે છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આપ પણ ચૂંટણીમાં ઝંપલાવશે. આપને મજબૂત કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મે મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ આવી રહ્યા છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ થી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ-શો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કેજરીવાલ રાજકોટમાં રાત્રી રોકાણ કરે તેવી પણ સંભાવના છે તેવું રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું છે.શિવલાલ બારસિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેર સભાને મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જાહેર સભા શાસ્ત્રી મેદાનમાં યોજાશે. મંજૂરીને લઇને કલેક્ટર તંત્ર દ્વારા આજે ફાઇનલ બેઠક યોજાશે અરવિંદ કેજરીવાલ મે મહિનાના બીજા અઠવાડિયામાં રાજકોટ આવશે. કેજરીવાલ કોને મળવાના છે, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જશે અને કઈ તારીખે આવશે તે અંગેની માહિતી 2 મેના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા જાણ કરવામાં આવશે.