Connect Gujarat
Featured

ભરૂચ : હરિયાણામાં થયેલ યુવતીની હત્યાના વિરુદ્ધ લોકોમાં રોષ, કલેક્ટર કચેરી ખાતે AHPએ પાઠવ્યું આવેદન પત્ર

ભરૂચ : હરિયાણામાં થયેલ યુવતીની હત્યાના વિરુદ્ધ લોકોમાં રોષ, કલેક્ટર કચેરી ખાતે AHPએ પાઠવ્યું આવેદન પત્ર
X

હરિયાણાના વલ્લભગઢમાં એક તરફી પ્રેમમાં 2 નરાધમ દ્વારા જાહેરમાં ગોળી મારી યુવતીની હત્યા કરી નાખવામાં આવતા નરાધમો સામે કડક પગલાં ભરવા તેમજ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

મનુષ્ય પોતાના અહંકારમાં કેટલીક વખત ન કરવાનું પણ કરી બેસે છે, ત્યારે હરિયાણાના વલ્લભગઢની કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સાથેના એક તરફી પ્રેમમાં મગ્ન બનેલ નરાધમે યુવતીની જાહેરમાં હત્યા કરી નાખી હતી. કોલેજમાં અભ્યાસ કરતી નિર્દોષ યુવતીનો ભોગ લઈ લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે યુવતીની હત્યા કરનાર નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં બનતી દુષ્કર્મ અને યુવતીઓની હત્યાની ઘટનાના પગલે હવે મહિલા સુરક્ષા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળી આગળ આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. હિન્દુ બાળકી અને યુવતીની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા લવ જીહાદના આરોપીઓના વિરુદ્ધમાં કડક સજા મળે તેવો કાયદો પસાર કરવા અંગે પણ અપીલ કરાઇ હતી, ત્યારે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી હરિયાણામાં બનેલી ઘટનાના આરોપીઓને સખત સજા ફટકારવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી યુવતીના પરિવારજનોને વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરી હતી.

Next Story