/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/23171620/maxresdefault-293.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. બુધવારના રોજ માત્ર 2 જ કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ઝીકાઈ જતા સર્વત્ર શહેર તરબોળ થઈ જવા પામ્યું હતું.
ભરૂચ શહેર અને જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાના અંતે મેઘાએ સટાસટી બોલાવતા શહેરીજનો અને પ્રજાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. સમગ્ર જિલ્લામાં મંગળવારની રાતથી બુધવાર બપોર સુધી સુસવાટા મારતા પવનો અને વીજળીના કડાકા સાથે વરસેલા તોફાની વરસાદથી અનેક મુખ્ય માર્ગો સહિત સોસાયટીઓ પાણીમાં ગરક થઈ જવા પામી હતી. જોકે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 8907 મિમી એટલે કે, મોસમનો કુલ 143 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો, ત્યારે હાલ સિઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાઇ ચુક્યો છે.
અંકલેશ્વરમાં માત્ર 2 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતાં ભરૂચીનાકાથી હાંસોટ રોડને જોડતા માર્ગ પર આવેલ રમણમૂળજીની વાડી, રત્નેશ્વર મહાદેવ મંદિર અને જલારામ મંદિરના ગર્ભગૃહ સુધી વરસાદનું પાણી ફરી વળ્યું હતું. તો સાથે શહેરના ત્રણ રસ્તા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં કેટલીય દુકાનો પાણીમાં ગરકાવ થઈ હતી. ચૌટાનાકા નજીક આવેલ SBI બેન્કની મુખ્ય શાખામાં પણ વરસાદી પાણી ફરી વળ્યું હતું. નગરપાલિકા કચેરી નજીક આવેલા કેટલાક નીચાણવાળા વિસ્તારો તેમજ હસ્તી તળાવ સ્થિત ગાયત્રી મંદિર નજીક રહેતા લોકોના મકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત અંકલેશ્વર GIDC વિસ્તાર તેમજ રાજપીપળા ચોકડી સહિત મહાવીર ટર્નિંગ નજીક ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર અને જનજીવનને મોટી અસર પહોચી હતી.