ટીમ ઈન્ડિયાએ બીજી વનડે મેચ જીતીને ઝિમ્બાબ્વે સામે ચાલી રહેલી વન-ડે શ્રેણી પણ જીતી લીધી છે. શનિવારે હરારેમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. 5 વિકેટે આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો દીપક હુડા (25 રન) અને સંજુ સેમસન (43 રન) હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પોતાની પ્રથમ ચાર વિકેટ માત્ર 97ના સ્કોર પર ગુમાવી દીધી હતી. બંને ખેલાડીઓ વચ્ચે 56 રનની ભાગીદારી થઈ હતી, દીપક આઉટ થયો હતો પરંતુ સંજુ સેમસન અંત સુધી રહ્યો હતો.

આ વખતે શિખર ધવન સાથે કેપ્ટન કેએલ રાહુલ ઓપનિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે માત્ર એક રન બનાવી શક્યો હતો. શિખર ધવન આ વખતે માત્ર 33 રન બનાવી શક્યો હતો, જ્યારે શુભમન ગિલ પણ 33 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન ઈશાન કિશન 6 રન બનાવીને આઉટ થયો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 10 વિકેટ અને બીજી મેચ 5 વિકેટથી જીતી હતી. ત્રીજી વનડે 22 ઓગસ્ટના રોજ રમાશે.