Connect Gujarat
દેશ

ભારતે રચ્યો ઈતિહાસ : ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક લેન્ડ થયું, PM મોદીએ પાઠવી દેશવાસીઓને શુભેચ્છા...

ભારતે આજે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે.

X

ભારતે આજે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે, જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે. હવે વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની રાહ જોવાય રહી છે. ધૂળ સ્થિર થયા બાદ તે બહાર આવશે. ત્યારબાદ વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાનો ફોટો પાડીને પૃથ્વી પર મોકલશે. ભારત પહેલા રશિયા ચંદ્રના સાઉથ પોલ પર લુના-25 ઉતારવાનું હતું. આ લેન્ડિંગ ગત તા. 21 ઓગસ્ટે થવાનું હતું, પરંતુ છેલ્લી ભ્રમણકક્ષા બદલતી વખતે તે ભટકી ગયું અને ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. ભારતના ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ગત તા. 14 જુલાઈના રોજ સવારે 3.35 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રની સપાટી પર ઉતરવામાં તેને 41 દિવસ લાગ્યા હતા. પૃથ્વીથી ચંદ્રનું કુલ અંતર 3 લાખ 84 હજાર કિલોમીટર છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે, ત્યારે હવે પછી ચંદ્ર સાથે જોડાયેલી વાતો બદલાઈ જશે, નવી પેઢી માટે કહેવતો બદલાઈ જશે. PM મોદીએ અગત્યની જાહેરાત કરતાં કહ્યું કે, સૂર્યના વિસ્તૃત અભ્યાસ માટે ઈસરો હવે પછી આદિત્ય એલ-વન મિશન લોન્ચ કરશે. એ પછી શુક્ર પર પર ઈસરો સંશોધન કરશે. ભારત વારંવાર એ સાબિત કરી રહ્યું છે કે, સ્કાય ઈઝ નોટ લિમિટ. તો બીજી તરફ, ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થતાં દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. ઠેર ઠેર લોકો આ પળને વધાવી ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Next Story