/connect-gujarat/media/media_files/v6v2X6H9L0kdCeqNBGnm.jpg)
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સમગ્ર દેશ હચમચી ગયો છે. ભૂસ્ખલનને કારણે ચાર ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને અત્યાર સુધીમાં 296 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ભૂસ્ખલનગ્રસ્ત મુંડક્કાઈ અને ચૂરલમાલામાં સેનાની આગેવાની હેઠળના શોધ અને બચાવ અભિયાને બુધવાર સુધીમાં 1,000 થી વધુ લોકોને બચાવ્યા હતા. ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે વાયનાડના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. હજુ પણ 240 લોકો ગુમ છે.
રાત્રે રાહત અને બચાવ અભિયાન રોકી દેવામાં આવ્યું હતું. પરંતુ સવારે ફરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. અવિરત વરસાદને કારણે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ બચાવ અભિયાનમાં પડકારો ઉભી કરી રહી છે. સેનાએ માનવીય સહાયતા અને આપત્તિ રાહત (HADR) પ્રયાસોના સંકલન માટે કોઝિકોડ ખાતે બ્રિગેડિયર અર્જુન સેગન સાથે કર્ણાટક અને કેરળ સબ એરિયાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ વિનોદ મેથ્યુની અધ્યક્ષતામાં એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે.
આર્મી, નેવી, એનડીઆરએફ સહિત બચાવ ટુકડીના 1,600 થી વધુ જવાનો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આ સિવાય લગભગ 3,000 સ્થાનિક નાગરિકો પણ તેમને મદદ કરી રહ્યા છે.
સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે વાયનાડમાં ભારે વરસાદ આફત બની ગયો. સવારે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે ત્રણ વખત ભૂસ્ખલન થયું હતું અને પર્વતની નીચે ચેલિયાર નદીના કેચમેન્ટમાં આવેલા ચાર ગામો ચૂરલમાલા, અટ્ટામાલા, નૂલપુઝા અને મુંડક્કઈમાં વિનાશ સર્જાયો હતો.