દેશના મુખ્ય ન્યાયાધીશ CJI ડીવાય ચંદ્રચુડે શનિવારે અદાલતોમાં ન્યાય મેળવવામાં આવતી મુશ્કેલીઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો .તેમણે ન્યાય પ્રક્રિયા લોકો માટે એક સજા સમાન બની ગઈ હોવાનો પણ સ્વીકાર કર્યો છે અને સેટલમેન્ટ માટે ઉભી કરેલી લોક અદાલતને પણ મહદઅંશે નકારી કાઢી છે.
CJI એ કહ્યું કે, લોકો કોર્ટ કેસથી એટલા કંટાળી ગયા છે કે તેઓ માત્ર સમાધાન ઇચ્છે છે. લોક અદાલતો એવા મંચ છે કે જ્યાં વિવાદો અને પેન્ડિંગ કેસ અથવા કોર્ટમાં મુકદ્દમા પહેલા જ સુમેળ પૂર્વક સેટલમેન્ટ એટલે કે સમાધાન કરવામાં આવે છે. પરસ્પર સહમતિથી થયેલા આ કરાર વિરુદ્ધ કોઈ અપીલ પણ દાખલ કરી શકાતી નથી.
તેમણે વધુમાં કહ્યું કે, "લોકો કોર્ટના કેસથી એટલા પરેશાન થઈ જાય છે કે, તેઓ માત્ર સમાધાન જ ઈચ્છે છે. પોતાના કાનૂની અધિકારોથી વંચિત રહીને પણ તેમણે માત્ર કોર્ટથી દૂર જ થવું હોય છે. ખરા અર્થમાં જોઈએ તો આ પ્રક્રિયા પોતે જ સજા બની ગઈ છે અને આપણા બધા જજ માટે આ ચિંતાનો વિષય છે."
આ સેટલમેન્ટ પ્રથા સમાજમાં પૂર્વ-અસ્તિત્વમાં રહેલી અસમાનતાને પ્રતિબિંબિત કરે છે તેથી ન્યાયાધીશ તરીકે આપણે પ્રયાસ કરવો જોઈએ અને તમામ બાબતે સેટલમેન્ટને સ્વીકારવા ન દેવી જોઈએ. અમે પ્રયાસ કરીશું કે તમામને વધુ સારું પરિણામ મળે” CJIએ એક વાહન અકસ્માતના ઉદાહરણને ટાંકતા આ નિવેદન આપ્યું છે. મોટર અકસ્માતના કેસમાં 8 લાખ રૂપિયાના દાવાના હકદાર હોવા છતા સેટલમેન્ટમાં વળતર પેટે ફરિયાદી 5 લાખ રૂપિયા પણ સ્વીકારીને કેસની પતાવટ માટે આગળ વધવા તત્પર હતા. આમ ન્યાયતંત્રમાં હવે લોકોને જે કઈંપણ ઓફર કરવામાં આવે છે તે સમાધાન તરીકે સ્વીકારી લે છે કારણ કે તેઓ ન્યાયિક પ્રક્રિયાથી કંટાળી ગયા છે અને માત્ર અદાલતોથી દૂર જવા માંગે છે.
CJIએ 29 જુલાઈથી શરૂ થયેલા અને 2 ઓગસ્ટના રોજ પૂરા થયેલા વિશેષ લોક અદાલત સપ્તાહના એક કાર્યક્રમમાં લોક અદાલતના આયોજનમાં બાર કાઉન્સિલ અને બેચ સહિત દરેક સ્તરે દરેક વ્યક્તિઓના સહયોગ અને સહકાર બદલ આભાર વ્યકત કર્યો હતો. CJIએ કહ્યું કે “જ્યારે લોક અદાલત માટે પેનલોની રચના કરવામાં આવી હતી ત્યારે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે દરેક પેનલમાં બે ન્યાયાધીશો અને બારના બે સભ્યો હશે. ભારતનું ન્યાયતંત્ર દેશના જજોથી નથી ચાલતું. આ ન્યાયાધીશોની, ન્યાયાધીશો માટે અને ન્યાયાધીશો દ્વારા ચાલતી સંસ્થા નથી.”