રાજ કુન્દ્રા ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા હોય તેમ લાગી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈ અને ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં લગભગ 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડાથી મળેલી માહિતી બાદ EDએ વેપારી વિરુદ્ધ સમન્સ જારી કર્યું છે. એટલું જ નહીં આ કેસ સાથે જોડાયેલા અન્ય લોકો સામે પણ સમન્સ જારી કરવામાં આવ્યા છે.
તેને તપાસ માટે મુંબઈ ઓફિસ બોલાવવામાં આવ્યો છે ત્યાર બાદ વધુ માહિતી બહાર આવશે. રાજ કુન્દ્રાએ આવતીકાલે એટલે કે સોમવારે સવારે 11 વાગ્યે ED ઓફિસ પહોંચવાનું રહેશે. દરમિયાન, રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમના અસીલને કોઈપણ ગુના સાથે કોઈ લેવાદેવા નથી.
આ રેકેટની તપાસ 2021થી શરૂ થઈ
કુન્દ્રા સામેનો કેસ ફેબ્રુઆરી 2021માં શરૂ થયો જ્યારે મુંબઈ પોલીસે તેનું નામ એડલ્ટ કન્ટેન્ટમાં દેખાડ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસ દરમિયાન કેટલીક મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે વેબ સિરીઝ અને ફિલ્મો માટે ઓડિશન આપવાના બહાને તેમને પોર્નોગ્રાફિક પ્રોજેક્ટનો ભાગ બનવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
એનડીટીવીના અહેવાલ મુજબ, 'હોટશોટ્સ' નામની મોબાઇલ એપ્લિકેશન દ્વારા અશ્લીલ સામગ્રી બનાવવા અને તેનું વિતરણ કરવા બદલ વેપારીની તપાસ કરવામાં આવી રહી છે. EDનો આરોપ છે કે આ અશ્લીલ વીડિયોને મુદ્રીકરણ કર્યા બાદ વિદેશ મોકલવામાં આવ્યા હતા.