Connect Gujarat
દેશ

રામાયણ એક્સપ્રેસ ડ્રેસકોડ વિવાદ: ભગવા કપડાંને બદલે હવે કર્મચારીઓ પ્રોફેશનલ ડ્રેસ પહેરશે

રામાયણ એક્સપ્રેસ ડ્રેસકોડ વિવાદ: ભગવા કપડાંને બદલે હવે કર્મચારીઓ પ્રોફેશનલ ડ્રેસ પહેરશે
X

ભારતીય રેલવે તરફથી શરુ કરવામાં આવેલી રામાયણ સર્કિટ એક્સપ્રેસમાં વેઈટર્સના ડ્રેસકોડને લઈને વિવાદ વકર્યા બાદ સોમવારે સ્ટાફનો યુનિફોર્મ બદલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રામાયણ યાત્રા ટ્રેનમાં કામ કરવાવાળા કર્મચારીઓ માટે ભગવો યુનિફોર્મ નિશ્ચિત કરવામાં આવ્યો હતો. રેલવેના આ નિર્ણયનો સંતોએ ભારે વિરોધ કર્યો હતો અને કર્મચારીઓનો યુનિફોર્મ બદલવાનું કહ્યું હતું. વિવિધ રાજ્યોમાં વિવાદ વધતો જોઈને રેલવેએ હવે ભગવા ડ્રેસકોડની જગ્યાએ પ્રોફેશનલ યુનિફોર્મ લાગુ કરી નાખ્યો છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ભારતીય રેલવે તરફથી રામાયણ યાત્રા ટ્રેન શરુ કરવામાં આવી છે. રેલવેએ રામાયણને આધાર બનાવીને ટ્રેનની અંદર કામ કરનારા કર્મચારીઓ માટે ભગવો ડ્રેસકોડ નક્કી કર્યો હતો જેને હવે સંપૂર્ણ બદલવામાં આવ્યો છે.

રેલવેએ એવું પણ કહ્યું છે કે જો કોઈને આ કારણે અસુવિધા થઈ છે તો એ માટે ખેદ છે. રેલવેએ રામાયણ સર્કિટ સ્પેશ્યલ ટ્રેનમાં કામ કરતા કર્મચારીઓનો યુનિફોર્મ સાધુ-સંતો જેવો નક્કી કરવામાં આવ્યો હતો. તેમાં પણ બધા કર્મચારીઓને ભગવા ધોતી, કુર્તા, પાઘડી અને રુદ્રાક્ષની માળા પહેરાવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર વાયરલ વિડીયોમાં જોવા મળ્યું છે કે, સાધુ સંતોના ડ્રેસમાં વેઈટર્સ લોકોને ટ્રેનમાં જમવાનું પીરસી રહ્યા છે. એટલું જ નહીં, ભગવા વસ્ત્રોમાં વેઈટર્સ લોકોનું એઠું ભોજન પણ ઉપાડી રહ્યા છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રેલવેએ ભક્તો માટે રામાયણ સર્કિટ સ્પેશ્યલ ટ્રેન 7 નવેમ્બરે શરુ કરી હતી. કર્મચારીઓના ડ્રેસકોડને લઈને આ ટ્રેન શરૂઆતથી જ વિવાદોમાં હતી. આ સ્પેશ્યલ ટ્રેન ભગવાન રામથી જોડાયેલા કુલ 15 સ્થાનોથી પસાર થતાં 7500 કિમીનું અંતર કાપશે. આ ટ્રેનનું પહેલું સ્ટેશન અયોધ્યા અને છેલ્લું સ્ટેશન રામેશ્વરમ હશે. આ ટ્રેન રેલવે દ્વારા દેખો અપના દેશ પહેલ હેઠળ ચલાવવામાં આવી છે.

Next Story