Connect Gujarat
દેશ

દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી : ભરૂચ-સુરત સહિત 13 સ્થળે CBIના દરોડા, વાંચો વધુ...

સમગ્ર દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી સામે આવી છે.

સમગ્ર દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી સામે આવી છે. આ છેતરપિંડી નીરવ મોદીના રૂ. 14 હજાર કરોડ અને વિજય માલ્યાના રૂ. 9 હજાર કરોડથી પણ અનેકગણુ વધુ રૂ. 22,842 કરોડનું કૌભાંડ છે. આ મામલે CBIએ ABG શિપયાર્ડ લિમિટેડના પૂર્વ ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત 8 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.



સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને ગત તા. 7 ફેબ્રુઆરીએ દાખલ કેસના સિલસિલામાં શનિવારે ABG શિપયાર્ડ લિમિટેડ કંપની અને તેના ડિરેક્ટરોના ભરૂચ, સુરત, મુંબઈ અને પૂણે સહિત 13 પરિસરમાં દરોડા પાડ્યા હતા, ત્યારે CBIના દરોડા દરમ્યાન મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા આનુસાર, ABG શિપયાર્ડ લિમિટેડના પૂર્વ ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત કંપનીના તત્કાલીન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિનીકુમાર, સુશીલકુમાર અગ્રવાલ, રવિ વિમલ નેવેતિયા અને અન્ય એક કંપની ABG ઈન્ટરનેશનલ વિરુદ્ધ પણ ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જોકે, આ સાથે જ ફોરેન્સિક ઓડિટમાં બહાર આવ્યું છે કે, વર્ષ 2012-17 વચ્ચે આરોપીઓએ કથિત રીતે મિલિભગત કરીને સંપત્તિનો દુરુપયોગ કર્યો હતો. લોન કોઈ બીજા હેતુથી લેવાઈ હતી અને પૈસાનો ઉપયોગ બીજા કામમાં કર્યો હતો. બાદમાં બેંકોએ વર્ષ 2016માં આ કંપનીના ખાતા NPA અને વર્ષ 2019માં ફ્રોડ એકાઉન્ટ જાહેર કરાયા હતા. એબીજી શિપયાર્ડ લિમિટેડના ચેરમેન અને કો-મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી તેમજ ત્રણ અન્ય ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેતિયાને આરોપી બનાવ્યા છે. જોકે, નવેમ્બર 2019માં 28 બેન્ક દ્વારા CBIને ફરિયાદ કરવામાં આવી હતી. દોઢ વર્ષ સુધી ચાલેલા કંપનીના ફોરેન્સિક ઑડિટમાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ ગત તા. 7 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે, ABG શિપયાર્ડ લિમિટેડના પૂર્વ ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ પહેલાથી જ દેશ છોડી ચૂક્યો છે અને હાલ સિંગાપોરમાં હોવાની માહિતી બહાર આવી છે.

Next Story