ઉત્તરપ્રદેશના બેરેલી જિલ્લામાં એક દુઃખદાયક અકસ્માત થયો છે, જેમાં બાંધકામ હેઠળના પુલ પરથી કાર પડવાના કરાણે 3 લોકોનું દુઃખદ મૃત્યુ થયું છે.
આ અકસ્માત બેરેલીના ફરીદપુર વિસ્તારમાં સ્થિત રામગંગા નદી પર બનતા પુલ પર થયો હતો. પુલનો આગળનો ભાગ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો.જેથી કાર સીધી નદીમાં પડી ગઈ અને આ અકસ્માત સર્જાયો હતો.
ઘટના પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફરીદપુર અને બદાયુની દાતાગંજ પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચીને કારને JCB ની મદદથી નદીમાંથી કાઢી હતી. તે બાદ મૃતકોના પરિવારને બોલાવવામાં આવ્યા હતા.આ ઘટના GPS નેવિગેશનના કારણે સર્જાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.બ્રિજનું બાંધકામ અધૂરું છે. જેથી બ્રિજનો આગળનો ભાગ નદીમાં વહી ગયો હતો, જેના કારણે સ્પીડમાં આવતી કાર સીધી પુલ પરથી નીચે પડી હતી.
ગુગલ મેપ પર ખોટો રસ્તો બતાવવાના કારણે તેમની કાર બ્રિજ પરથી પડી ગઈ હતી અને ત્રણેય લોકોના મોત થયા હતા.આ અકસ્માતમાં જીવ ગુમાવનાર વિવેક અને કૌશલ કુમાર બંને ભાઈઓ હતા અને તેમની સાથેનો ત્રીજો વ્યક્તિ તેમનો મિત્ર હતો.