જામનગર: ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ યોજાયું વિશાળ ખેડૂત સંમેલન

New Update
જામનગર: ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ યોજાયું વિશાળ ખેડૂત સંમેલન

હાલ જ્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે જામનગર ગ્રામ્ય પંથકમાં ખેડૂતોએ પાક વીમાની ટકાવારી સુધારવા સહિતની પોતાની વિવિધ માંગણીઓને લઇને સરકાર સામે બાયો ચડાવી છે.જામનગર ગ્રામ્ય પંથકમાં ઠેર ઠેર આંદોલનો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજે જામનગરના લાલપુર તાલુકામાં પણ ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ૭૨ ગામના ખેડૂતોનું વિશાળ ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું.

જામનગરના લાલપુર તાલુકામાં અતિથિ ગ્રહ પાસે ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ વિશાળ ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું.જેમાં ખેડૂત નેતા પાલભાઇ આંબલીયા તેમજ પદુભા જાડેજા સહિતના આગેવાનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કર્યું હતું.જ્યારે એક તરફ લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા પાક વીમાની ૧૭ ટકા રકમ આપવામાં આવેલી છે તે ખેડુતોની મશ્કરી સમાન હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.જેથી પાક વીમાની ટકાવારી સુધારી ૭૦ થી ૮૦ ટકા વીમો આપવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.આ ઉપરાંત સિંચાઇ અને વીજળી સહિતની સમસ્યાઓ પણ સંમેલનમાં રજૂ કરવામાં આવી હતી અને સંમેલન બાદ રેલી કાઢી લાલપુર ડે.કલેક્ટરને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જ્યારે ખેડૂત હિત સમિતિના નેજા હેઠળ સંમેલન બાદ રેલી યોજીને લાલપુરના ડેપ્યુટી કલેક્ટરને મામલે આવેદનપત્ર આપતી વેળાએ થોડી સમય માટે ગરમા ગરમીનો માહોલ પણ જોવા મળ્યો હતો.પરંતુ ડેપ્યુટી કલેક્ટર દ્વારા ખેડૂતોને તેમની માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી અપાયા બાદ મામલો થાળે પડ્યો હતો.જ્યારે ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા આપવામાં આવેલી તમામ વિગતો રાજ્ય સરકારને રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે કંઈ સરકાર નિર્ણય લેશે તેની ખેડૂતોને જાણ કરવામા આવશે.

Latest Stories