Connect Gujarat
લાઇફસ્ટાઇલ

"Women's Day" : દરેક ક્ષેત્રમાં પુરૂષ સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધતી મહિલાઓને સલામ...

Womens Day : દરેક ક્ષેત્રમાં પુરૂષ સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધતી મહિલાઓને સલામ...
X

દર વર્ષે તા. 8મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે, નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે. જોકે, મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં જોવા મળી રહી છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન અને સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ સહિતના પ્રયાસો આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરે છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે, ત્યારે આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે. આજરોજ તા. 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓના માનમાં દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે કનેક્ટ ગુજરાત પરિવાર તરફથી સૌ નારીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામના...

Next Story