Connect Gujarat
ગુજરાત

સયાજી મહારાજની જળ વ્યવસ્થાપનની દૂરંદેશીના પ્રતિક સમાન પ્રતાપપુરા સરોવરની નર્મદા વિકાસ રાજ્ય મંત્રીએ લીધી મુલાકાત

સયાજી મહારાજની જળ વ્યવસ્થાપનની દૂરંદેશીના પ્રતિક સમાન પ્રતાપપુરા સરોવરની નર્મદા વિકાસ રાજ્ય મંત્રીએ લીધી મુલાકાત
X

સાંસદ ધારાસભ્યો અને મહાનગર પાલિકાની નીર્વાચિત પાંખને સાથે રાખી કર્યું નિરીક્ષણ

ચોમાસામાં સલામતીની પૂર્વ તૈયારી રૂપે પ્રતાપપુરા ના પ્રવાહમાં અવરોધરૂપ ઝાડી ઝાંખરાની મહાનગરપાલિકા તાત્કાલિક શક્ય તેટલી સફાઈ અને કટાઇ કરાવશે.વડોદરાની પીવાના પાણીની પરબ તરીકે સયાજીરાવ મહારાજે પાવાગઢમાં થતાં વરસાદનું પાણી સંગ્રહી શકાય અને શહેરને પૂરું પાડી શકાય એવા આશય સાથે પ્રતાપપુરા અને તેના હેઠવાસ માં આજવા તળાવનું નિર્માણ કરાવ્યું હતું અને પ્રતાપપુરા નું વધારાનું પાણી આજવા સરોવરમાં ઠલવાય એવી આંતર સંકલિત વ્યવસ્થા ઉભી કરી હતી.



આગામી ચોમાસામાં સલામતી ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે સયાજીરાવ મહારાજના દૂરંદેશી ભર્યા જળ વ્યવસ્થાપન ના પ્રતીક જેવા પ્રતાપપુરા જળાશયની મુલાકાત લીધી હતી. તેમણે સાંસદ રંજનબહેન, મેયર ડો.જિગીષા શેઠ, ધારાસભ્ય મનીષાબેન અને સીમાબેન, નાયબ મેયર ડો.જીવરાજ ચૌહાણ, સ્થાયી અધ્યક્ષ સતીષ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર નલીનભાઇ ઉપાધ્યાયને સાથે રાખીને પ્રતાપપુરા નું નિરીક્ષણ કરવાની સાથે એના જળ સંગ્રહ ક્ષેત્રમાં ઉગી નીકળેલા ગાંડા બાવળ અને ઝાડી ઝાંખરાં ની સફાઈ દ્વારા જળ સંગ્રહ ક્ષમતા અને પાણીની ગુણવત્તા માં વધારો કરવા માટેના ટૂંકા અને લાંબાગાળાના ઉપાયોની ચર્ચા વિચારણા કરી હતી.તેમણે જળાશયના સામાં કાંઠાના હાંસાપુરા ગામના વડીલો સાથે અગાઉ ભૂતકાળમાં આ તળાવની સફાઈની કેવી વ્યવસ્થા હતી એ અંગે સંવાદ કર્યો હતો.

આ એક ખૂબ મોટું કામ છે એવી લાગણી વ્યક્ત કરતા નર્મદા વિકાસ રાજ્યમંત્રીએ જણાવ્યું કે હાલમાં આગામી ચોમાસાં ને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા આ તળાવમાં આવતા અને આજવા સરોવરમાં જતાં જળ પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા ની તાત્કાલિક કટાઇ અને વનસ્પતિ કચરાની સફાઈ કરાવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.લગભગ સન 2014 પછી આ જળાશયમાં ઝાડી ઝાંખરા ની સફાઈ થઈ નથી.હાલમાં જે કામગીરી થશે એના થી જળ સંગ્રહની ક્ષમતા વધશે અને પાંદડા તથા વનસ્પતિ કચરાની સફાઈથી આજવાના પાણીની ગુણવત્તા પણ સચવાશે. તેમણે મહાનગર પાલિકાના કમિશનરએ આ કામગીરી પાલિકાએ સ્થાનિક સ્તરે જ કરાવવાની હોવાથી સત્વરે શરૂ થાય એવો અનુરોધ કર્યો હતો. તેમણે 2104 ની માફક તળાવની સંરક્ષણ દીવાલને આવરણ આપતાં વૃક્ષોને સલામત રાખીને જળ સંગ્રહ વિસ્તારની ક્ષમતા ઘટાડતી ઝાડીઓની સઘન સફાઈ કરાવી શકાય એવા લાંબાગાળાના આયોજનનો સંકેત આપ્યો હતો.

સાંસદ રંજનબહેન એ જણાવ્યું કે 999 વિંઘાનું આ વિશાળ પ્રતાપપુરા જળાશય વડોદરાને મળતા પાણી પુરવઠા માટે અગત્યનું છે.આગામી વર્ષમાં સુજલામ સુફલામ્ જળ સંચય યોજનામાં તેની સફાઈના કામનો સમાવેશ થાય એ અંગે પણ વિચારણા થશે. મ્યુનિસિપલ કમિશનરએ આ કામ ઝડપ થી સમુચિત પ્રક્રિયા પૂરી કરી હાથ ધરવાનો સંકેત આપ્યો હતો.આ નિરીક્ષણમાં મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણા સહિત અધિકારીઓ જોડાયાં હતાં.

Next Story