Connect Gujarat
ગુજરાત

નર્મદા : પરિવારનું ગુજરાન ચલાવવા યુવતીએ શરૂ કરી ટાયર પંચરની દુકાન

નર્મદા : પરિવારનું ગુજરાન ચલાવવા યુવતીએ શરૂ કરી ટાયર પંચરની દુકાન
X

આઠમી

માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે દેડીયાપાડાના ડુમખલની એક યુવતીએ પરિવારનું ગુજરાન

ચલાવવા માટે ટાયર પંચર કરવાનું કઠિન કાર્ય શરૂ કર્યું છે. જુઓ અમારો વિશેષ અહેવાલ…

સાંપ્રત સમયમાં મહિલાઓ પણ હવે પુરૂષ સમોવડી બની રહી છે. પરિવારને મદદરૂપ થવા યુવતીઓ પણ કઠિનમાં કઠિન કાર્ય કરવામાં સંકોચ અનુભવી રહી નથી. વાત કરવામાં આવે સાધના વસાવાની. આદિવાસી સમાજની બહુલ વસતી અને જંગલ વિસ્તાર ધરાવતાં દેડીયાપાડા તાલુકામાં આવેલાં ડુમખલ ગામમાં રહેતાં બામણિયા વસાવાની ટાયર પંચરની દુકાન છે. તેમનું કેન્સરની બિમારીના કારણે અવસાન થયાં બાદ તેમનો પરિવાર નિરાધાર બની ગયો હતો. બસ પછી તો સાધનાએ હિમંત હાર્યા વિના પિતાની દુકાનને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેણે અભ્યાસ છોડી દીધો અને ટાયરોને પંચર બનાવવાનું શરૂ કરી દીધું છે. પિતાનું અવસાન થયું ત્યારે સાધના વસાવા ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. પરિવારની જવાબદારીનો ભાર પોતાના ખભે લઈ તે ટાયર બદલવા, પંચર બનાવવા , બેરિંગ બદલવી જેવું કઠિન કામ કે જે પુરુષ પણ સહેલાઈથી નથી કરી શકતા તે આસાનીથી કરી રહી છે. કુદરતે ભલે પિતાનો આધાર છીનવી લીધો હોય પરંતુ સાધના પરિવારના અન્ય સભ્યો માટે આધાર બની છે. સાધના વસાવાએ જણાવ્યું હતું કે, તેને ભણવાનો ઘણો શોખ હતો પણ પિતાનું અવસાન થતાં તેના માથે ભાઇ- બહેનને ભણાવવાની જવાબદારી આવી પડી હતી. જો હું ભણું તો મારા ભાઈ બહેન નો અભ્યાસ રહી જાય પંચર બનાવી થોડું કમાઉ છું અને પરિવાર નો ગુજરાન ચાલે છે.

બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવતી સરકારે જો આવા નિરાધાર પરિવારની મદદ કરી હોત તો પોતાના ભાઈ- બહેનની સાથે સાધના પણ અભ્યાસ કરી રહી હોત. પણ સરકારની યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચતો નથી તે સાધના વસાવાના કિસ્સા ઉપરથી સાબિત થાય છે. સમગ્ર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરશે ત્યારે સાધના વસાવા જેવી યુવતીઓને સરકાર કે સંસ્થાઓ મદદ કરે તો તેનું અભ્યાસ કરવાનું સ્વપન સાકાર થઇ શકે તેમ છે.

Next Story