નર્મદા : ટાઇમ આયેગા તબ દેખા જાયેગા, જુઓ સાંસદ અહમદ પટેલના પુત્ર ફૈઝલે કેમ આમ કહયું

ભરૂચના પનોતા પુત્ર અને રાજયસભાના સાંસદ મરહુમ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે દેડીયાપાડા તાલુકાના વાંદરી ગામની મુલાકાત લીધી હતી. અંતરિયાળ એવા વાંદરી ગામને સ્વ. અહમદ પટેલે દત્તક લીધાં બાદ ગામમાં વિકાસના અનેક કામો થયાં છે અને ગામલોકોના જીવનસ્તરમાં જડમુળથી ફેરફાર આવી ગયો છે.
પ્રધાનમંત્રી દત્તક ગામ યોજના હેઠળ રાજયસભાના સાંસદ મરહુમ અહમદ પટેલે દેડીયાપાડાના વાંદરી ગામને દત્તક લીધું હતું. વાંદરી ગામમાં રસ્તા,પાણી અને વીજળી સહિતની માળખાકીય સુવિધાનો અભાવ હતો પણ અહમદ પટેલના પ્રયાસોથી ગામ વિકસિત બન્યું છે અને ગામલોકોનું જીવનસ્તર બદલાઇ ચુકયું છે. અહમદ પટેલના પુત્ર ફૈઝલે તેમના પિતાએ દત્તક લીધેલા વાંદરી ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.
ફૈઝલ પટેલે ગામલોકો સાથે સંવાદ કર્યો હતો અને તેમની શું જરૂરીયાત છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ફૈઝલ પટેલને જોઇ વાંદરીના રહીશો ગદગદિત થઇ ગયાં હતાં અને તેમનો આભાર માન્યો હતો. ફૈઝલ્ પટેલે પણ પિતાના માર્ગે ચાલી ગામલોકોની તમામ સમસ્યાઓ દુર કરવાની ખાતરી આપી હતી. રાજકારણમાં પ્રવેશ અંગે ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, ટાઇમ આયેગા તબ દેખા જાયેગા.