/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/TAD-NARMADA-SAMIXA-BETHAK-2.jpg)
સમગ્ર દેશભરનાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત થઇ રહેલી કામગીરી-પ્રગતિ-કાર્યસિધ્ધિમાં નર્મદા જિલ્લો રાષ્ટ્રીયકક્ષાએ દ્વિતીય સ્થાને :“ટીમ નર્મદા”ને બિરદાવતા પ્રભારી સચિવ હૈદર
ગુજરાતના ઉદ્યોગ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના અગ્ર સચિવ અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ. જે. હૈદરે ગઇકાલે સાંજે કેવડીયા કોલોનીના વીવીઆઇપી સરકીટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે "એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ–નર્મદા” સંદર્ભે જિલ્લામાં હાથ ધરાયેલી કામગીરી-પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજીને તેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
કેવડીયા કોલોની ખાતે ગઇકાલે યોજાયેલી ઉક્ત સમીક્ષા બેઠકમાં એસ.જે. હૈદરે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા ઘોષિત કરાયેલા દેશના મહાત્વાકાંક્ષી જિલ્લા અંતર્ગત નીતિ આયોગના નિર્ધારીત પેરા મીટર મુજબ નર્મદા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ-બાગાયત-પશુપાલન, કૌશલ્ય વર્ધન, ફાઇનાન્સીયલ ઇન્ક્લુઝન અને માળખાગત સુવિધાઓ ક્ષેત્રની કામગીરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે માટે કેન્દ્રિય મંત્રીઓ, કેન્દ્રિય તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવઓ દ્વારા સૂચવાયા મુજબ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તૈયાર કરાયેલા એક્શન પ્લાન મુજબની અને લક્ષ્યાંક સિધ્ધિ માટે વિવિધ યોજનાકીય લાભો માટેની સઘન અમલવારી માટે “ટીમ નર્મદા” દ્વારા કરાયેલા પ્રયાસોની પણ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત છણાવટ કરી હતી. આ દિશામાં શતપ્રતિશત ઉપરાંતની લક્ષ્યાંક સિધ્ધિ માટે “ટીમ નર્મદા” ને તેઓએ રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.
જિલ્લા પ્રભારી સચિવ હૈદરે ઉક્ત બેઠકમાં જુદા જુદા ક્ષેત્રોમાં થયેલી કામગીરીની આંકડાકીય વિતગો સાથે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને જુલાઇ-૨૦૧૮ અંતિત એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે નર્મદા જિલ્લો લક્ષ્યાંક સિધ્ધિમાં દ્વિતીય સ્થાને રહેવા બદલ “ટીમ નર્મદા” ની કામગીરી બિરદાવીને સૌ કોઇને અભિનંદન આપ્યાં હતા. હૈદરે જિલ્લામાં હજી પણ ઉક્ત જે તે ક્ષેત્રમાં ઇનોવેટીવ કામગીરી થકી શ્રેષ્ઠત્તમ પરિણામો મેળવી શકાય તેવી સંભાવનાઓ અવકાશ-તકને ઝડપી લઇ નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ તરીકે અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરે તેવા ઘનિષ્ઠ પ્રયાસો માટે તેમણે ખાસ હિમાયત કરી હતી.
જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ પ્રભારી સચિવ હૈદર દ્વારા આ દિશામાં જિલ્લાને અગ્રેસર બનાવવા માટે અપાયેલા માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો પ્રત્યે ઘનિષ્ઠ અમલવારી સાથે અપેક્ષિત પરિણામ હાંસલ કરવા માટે “ટીમ નર્મદા” ની કટિબધ્ધતાની ખાત્રી આપી હતી.