ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ પાસે ઉભેલ ટ્રક નંબર GJ-38-TA-2176 માં ફાડકામાં મુકેલ ધાતુની વોટર ટેન્કમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી લઇ જવાય છે.
જેના આધારે દરોડા પાડતા વિદેશી દારૂ પ્રત્યક્ષ દેખાય તેમ મળી આવ્યો ન હતો અને ધાતુની વોટર ટેન્ક કાપ્યા વગર ખુલે તેમ હતો નહીં જેથી પોલીસ ટીમ દ્વારા લોખંડ કાપવાના કટર વડે વોટર ટેંક કાપી તપાસતા વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પુઠ્ઠાના બોક્ષ નંગ-૫૬૬ નાની મોટી કુલ બોટલ નંગ-૧૬,૬૩૦ કિંમત રૂપિયા ૮૫,૮૭,૪૦૦/- નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી જેસારામ વિશનારામ જાટે જણાવ્યું હતું કે રાહુલ નામના વ્યક્તિએ દહેરાદુન (ઉત્તરાખંડ)થી દારૂ ભરાવી આપેલ અને મુસાફરી દરમ્યાન સંપર્કમાં રહયો હતો દરમ્યાન દહેજ જતા રોડ ઉપર ટ્રક ઉભી રાખવા જણાવ્યું હતુ અને આગળ વડોદરા જવાની સુચના હતી. આ મામલામાં પોલીસે દારૂ અને ટ્રક મળી રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે દારૂ મોકલનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.