Connect Gujarat
Featured

કોરોના સામે લડવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનએ ઇતિહાસમાં સૌથી મોટા રાહત પેકેજ પર કર્યા હસ્તાક્ષર

કોરોના સામે લડવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનએ ઇતિહાસમાં સૌથી મોટા રાહત પેકેજ પર કર્યા હસ્તાક્ષર
X

કોરોના વાયરસે આખા વિશ્વમાં વિનાશ કર્યો છે, આ મહામારીની સૌથી વધુ અસર અમેરિકા પર થઈ છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશને પણ કોરોનાએ સંપૂર્ણપણે હચમચાવી દીધો હતો. અહીં લોકો પાસે બેડની અછત સર્જાઈ હતી. એ સમય અમેરિકા માટે ખૂબ જ ભયાનક હતો. હાલમાં એ ખરાબ સમય વિશે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પ્રતિક્રિયા આપી છે. બાઈડેને કોરોના વાયરસ મહામારી વિશે પહેલી વાર દેશને સંબોધિત કર્યો છે જેમાં તેમણે કહ્યુ કે એક વર્ષ પહેલા કોરોના વાયરસે આપણને ગંભીર રીતે આઘાત પહોંચાડ્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે, 'આ વાયરસ એકદમ ચૂપચાપ આવ્યો અને બધામાં ફેલાઈ ગયો અને અંધારુ છવાઈ ગયુ, અમુક દિવસો, સપ્તાહો અને મહિનાઓ સુધી આપણે ટાળતા રહ્યા, અને આ વાતને ગંભીરતાથી ન લીધી અને બેદરકારીથી ઘણા બધા મોત થઈ ગયા. આપણામાંથી ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવી દીધા. આ વાયરસે માત્ર લોકોના જીવ જ નહિ પરંતુ તેણે દરેક પાસેથી કંઈને કંઈક છીનવી લીધુ છે. '

અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 527,726 મોત થયા છે. બાઈડને કહ્યુ કે હું એ જાણુ છુ કે આ બહુ મુશ્કેલ અને કષ્ટદાયક છે. મારા ખિસ્સામાં એક કાર્ડ છે જેમાં અમેરિકામાં કોરોના વાયરસથી મરનાર લોકોનો આંકડો છે. આ લોકો કોવિડ-19ના કારણે માર્યા ગયા. અત્યાર સુધી અમેરિકામાં કુલ 527,726 મોત થયા છે. જે પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વ યુદ્ધ, વિયેતનામ યુદ્ધ અને 9/11થી વધુ છે. પરંતુ આપણે આની સામે લડી શક્યા છીએ અને લડી રહ્યા છે. બાઈડેને કહ્યુ કે અમેરિકામાં બધા વયસ્કોને 1 મે સુધી વેક્સીન આપી દેવામાં આવશે.

અમેરિકી રાષ્ટ્રપતિએ રાહત પેકેજ પર કાલે હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે આ રાહત પેકેજથી કોરોના વાયરસના કારણે મુશ્કેલીઓ સહન કરી રહેલ લોકો, વેપારીઓને મદદ મળશે અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે અને મને પૂરો વિશ્વાસ છે કે આપણે આ લડાઈમાં સફળ થઈશુ. ઉલ્લેખનીય છે કે આ રાહત પેકેજનુ નામ 'અમેરિકન રેસ્ક્યુ પ્લાન એક્ટ 2021' છે. 1400 ડૉલરની આર્થિક મદદ આપવામાં આવશે. આ મદદ એ જરુરિયાતમંદોને મળશે જે કોરોનાના કારણે આર્થિક રીતે બરબાદ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આ પેકેજમાં 350 બિલિયન ડૉલરનો હિસ્સો સ્ટેટ અને લોકલ ગવર્મેન્ટ માટે છે અને એટલુ જ નહિ એક સપ્તાહની અંદર જ લોકોના બેંક ખાતામાં પૈસા પણ આવી જશે.

Next Story