Connect Gujarat
Featured

કચ્છનું ગૌરવ : “સરહદ ડેરી”માં ઊંટડીના દૂધનું ઉત્પાદન, અનેકો બીમારીઓનો ઈલાજ છે “ઊંટડીનું દૂધ”

કચ્છનું ગૌરવ : “સરહદ ડેરી”માં ઊંટડીના દૂધનું ઉત્પાદન, અનેકો બીમારીઓનો ઈલાજ છે “ઊંટડીનું દૂધ”
X

વૈશ્વિક મહામારી કોરોનાની વચ્ચે પણ દૂધના વ્યવસાયમાં વધારો થયો છે ખાસ કરીને સ્વાસ્થ્ય વર્ધક ઊંટડીના દૂધની માંગ ખુબજ વધી છે કચ્છમાં મોટા પ્રમાણમાં રણના વાહન ઉંટ વસે છે ત્યારે ઊંટડીના દૂધમાંથી કચ્છની સરહદ ડેરી દ્વારા અનેકવિધ કેમલ મિલ્ક પ્રોડક્ટ બનાવવામાં આવે છે જે કચ્છને ગૌરવ અપાવે છે.

સમગ્ર વિશ્વમાં ઊંટડીના દૂધનું એકત્રીકરણ અને તેની બનાવટો સાથે સંકળાયેલી ડેરીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. જેમાં દુબઈમાં 2, પાકિસ્તાનના કરાચી શહેરમાં એક , તેમજ સરહદી કચ્છ જિલ્લાની સરહદ ડેરીનો સમાવેશ થાય છે. કચ્છમાં ઊંટોની અંદાજીત સંખ્યા 12 હજાર જેટલી છે જેમાં 7 હજાર ઊંટડીનો સમાવેશ થાય છે. દાયકાઓ અગાઉ ઊંટડીના દૂધનું મહત્વ ખૂબ જ ઓછું હતું પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી ઊંટડીના દૂધમાં રહેલા પૌષ્ટિક તત્વો આરોગ્ય માટે જ નહીં ડાયાબિટીસ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ માટે ખૂબ જ ઉપયોગી હોવાનું ફલિત થયા પછી તેનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. અમુલ મિલ્કના સહયોગથી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની "સરહદ ડેરી"એ પણ આ બાબતને ધ્યાને લઇ પોતાના લાખોંદ નજીક ડેરીના દૂધ પ્રોડક્ટ પ્લાન્ટ સાથે દૈનિક ૨૦ હજાર લિટરની ક્ષમતા વાળો પ્લાન્ટ શરૂ કર્યો છે.

કચ્છમાં ઊંટડીનું દૂધ એકત્ર કરી શકાય તેવા નખત્રાણા, રાપર, ભચાઉ અને ભુજના વિસ્તારોમાં સરહદ ડેરી દ્વારા દૂધ એકત્ર કરાય છે. હાલ દૈનિક 500 લિટર દૂધ સરહદ ડેરી સુધી પહોંચી રહયું છે. છેલ્લા કેટલાક સમયથી ઊંટડીના દૂધનું ચલણ વધ્યા પછી ખાનગી હોટલમાં લિટરના 20 થી 25 રૂપિયાના ભાવે દૂધ ખરીદાય છે. જ્યારે શરૂઆતથી જ સરહદ ડેરી 51 રૂપિયા જેટલા ઊંચા ભાવે દૂધ ખરીદે છે. ઉંટડીના દૂધના કલેક્શનને લઈને માલધારીઓ માટે સરહદ ડેરીએ નવી દિશા આપી છે. ઊંટડીના દૂધનો સ્વાદ ગાય અને ભેંસના દૂધ કરતા અલગ હોય છે જેથી તેને સ્વાદિષ્ટ બનાવવા સુગંધિત તત્વોના મિશ્રણ કરવામાં આવે છે. સુગંધી દૂધની બનાવટ ભારે લોકપ્રિય બની છે. તે ઉપરાંત ઊંટડીના દૂધની આઇસક્રીમ પણ બનાવાય છે. આગામી દિવસોમાં સરહદ ડેરી વધુ એક નવું સાહસ કરવા જઈ રહી છે જેમાં ઊંટડીના દૂધમાંથી ચીઝ પણ બનાવી બજારમાં મૂકવા વિચારણા ચાલી રહી છે.

દુનિયાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ઊંટડીના દૂધમાં ઇન્સ્યુલિન જેવું પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલની જાળવણીમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. દૂધના નિયમિત સેવનથી ચામડી પર કરચલીઓ પડવાની ઝડપ ઘટે છે અને ચહેરાને નિખાર આપે છે. આ દૂધમાં ગાય કરતા ચારથી પાંચ ગણું વધારે વિટામિન સી ૩૦થી ૪૦ ઘણું લેકટોફેરીન નામક પ્રોટીન, વધુ મિનરલ્સ અને અનસેચ્યુરેટેડ ફેટીએસિડ હોય છે. ઘણા કિસ્સાઓમાં ઊંટડીના દૂધથી કેન્સર, ટી.બી, કમળો, મલ્ટિયલ સ્કેલેરોસીસ, સ્કીન કેન્સર, હાઇ બ્લડપ્રેશર, ફ્રુડ એલર્જી જેવા રોગોના નિદાન થયા છે. એટલું જ નહીં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ખરા અર્થમાં ઊંટડીનું દૂધ ફળદાયી નિવડે છે.

Next Story