Connect Gujarat
Featured

સુરત : રાજસ્થાની યુગલે કોવિડની ગાઈડલાઇન મુજબ કર્યા સાદગીપૂર્ણ લગ્ન, જુઓ બચત કરેલા રૂ. 3 લાખનું શું કર્યું..!

સુરત : રાજસ્થાની યુગલે કોવિડની ગાઈડલાઇન મુજબ કર્યા સાદગીપૂર્ણ લગ્ન, જુઓ બચત કરેલા રૂ. 3 લાખનું શું કર્યું..!
X

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના એક મોભી રાજસ્થાની પરિવારે પોતાના દીકરાના લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ કરાવ્યા છે. જોકે લગ્નમાં જે પણ ખર્ચ થયો છે, તેમાં બચત કરી તે રકમ કોરોનાગ્રસ્ત લોકો માટે સહાય આપવાનું નક્કી કર્યું છે, ત્યારે પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 3 લાખ જમા કરાવી અનોખી રીતે સેવાની સુવાસ ફેલાવી છે.

કોરોના વાયરસના વધતાં જતાં કહેરને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાજસ્થાની ગોયલ પરિવારે રાત્રિ કરફ્યુ વચ્ચે લગ્નની સીઝનમાં પોતાના દીકરાના લગ્ન ખૂબ જ સાદગીપૂર્વક કરાવ્યા છે. જેમાં લગ્ન પ્રસંગમાં આવનાર મહેમાનોને ભેટ સ્વરૂપે સેનેટાઇઝર અને સ્ટીમ મશીન આપવામાં આવ્યા છે. એટલું જ નહિ પરંતુ લગ્ન સાદાઈથી કરી ખર્ચ પેટે બચેલી રૂપિયા 3 લાખની રકમને પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવી સરકારની સાથે પોતે પણ કોરોનાની લડતમાં સહભાગી બન્યા છે.

કોરોનાના કાળમાં સરકારની નવી ગાઇડલાઇન મુજબ એક તરફ લગ્ન પ્રસંગમાં મહેમાનોની સંખ્યા માત્ર 100 કરવાની સાથે જ રાત્રિ કરફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ બારડોલી નગરના ગોયેલ પરિવારે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બારડોલીના રહીશ સુરેશ ગોયેલના પુત્રના લગ્ન પ્રસંગે કુટુંબીઓએ સાથે મળીને સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં સુરતના રાધાકૃષ્ણ મંદિર ખાતે પરિવાર દ્વારા લગ્નનું આયોજન કરાયું હતું. તો સાથે જ સરકારની ગાઇડલાઇન મુજબ ઓછા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે મંદિરમાં લગ્ન યોજવાથી પરિવારને લાખો રૂપિયાની બચત થઈ છે, ત્યારે તેમાંથી રૂપિયા 3 લાખ જેટલી રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપી કોરોનાની લડાઈમાં સરકારને સહભાગી પણ બન્યા છે.

જોકે આ લગ્ન પ્રસંગમાં માત્ર સરકારી ગાઇડલાઇનનું પાલન જ નહિ, પરંતુ જે મહેમાનો વર-વધૂને આશીર્વાદ આપવા માટે લગ્નમાં હાજર રહ્યા હતા, તેઓને સેનેટાઇઝરની પેન અને સ્ટીમ મશીન ભેટ સ્વરૂપે આપી કોરોના કાળમાં જાગૃત રહેવાનું આવાહન કર્યું હતું. જોકે લોકો મોટા પ્રમાણમાં ભેગા નહિ થાય તે માટે પરિવારે સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગ લાઈવ પણ કર્યો હતો. જેમાં બન્ને પરિવારના સભ્યો સહિત મિત્રમંડળ મળી 3 હજારથી વધુ લોકોએ વર-વધુને આશીર્વાદ પણ આપ્યા હતા.

Next Story