Connect Gujarat
ગુજરાત

'સબ' સલામત ! ભ્રમિતો સાથે શબ વાહિનીમાં આખીરાત જાગવા પોલિસ પણ તૈયાર

સબ સલામત ! ભ્રમિતો સાથે શબ વાહિનીમાં આખીરાત જાગવા પોલિસ પણ તૈયાર
X

માલપુરમાં છેલ્લા કેટલાય સમયથી શબ વાહિનીને લઇને વાત ચગડોળે ચઢી છે. ત્યારે મીડિયાના અહેવાલ બાદ ભ્રમિત લોકોનો ડર દૂર કરવા પોલિસ તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. માલપુર ગ્રામ પંચાયતમાં ફળવવામાં આવેલી શબ વાહિનીમાં રાત્રીના સમયે લાઇટ, હૉર્ન તેમજ સાઇરન ચાલુ-બંધ થતી હોવાનું સરપંચ સહિત આસપાસના રહીશોએ જણાવતાં શબ વાહિની માલપુર પોલિસ સ્ટેશનમાં મુકી દેવાઇ હતી. જેને લઇને મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.

મીડિયાના અહેવાલ બાદ માલપુર પોલિસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નજર કેદ કરાતા કોઇ જ ઘટના ન ઘટી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે મોડી રાત્રે પ્રોબેશનલ ડીવાયએસપી ઇશ્વર પરમાર ખાસ હાજર રહ્યા હતાં અને તેમણે કોઇપણ પ્રકારની હલચલ ન જોઇ હોવાનું જણાવ્યું છે. પ્રોબેશનલ ડીવાયએસપી ઇશ્વર પરમારે એમ પણ જણાવ્યું છે કે, જો કોઇ વ્યક્તિને હજુ પણ વહેમ કે શંકા હોય તો તે વ્યક્તિ સાથે આખી રાત શબ વાહિની સાથે તેઓ બેસવા માટે તૈયાર છે.

શું હતો સમગ્ર મામલો?

રાજ્ય સભાના સાંસદ અમિત શાહની ગ્રાંટમાંથી માલપુર તાલુકાના લોકો માટે શબ વાહિની ફાળવાઈ છે, જો કે લોકમુખે શબ વાહિનીમાં રાત્રીના સમયે અઘટિત ઘટનાઓ થતી હોવાનું ચર્ચાયું હતું. જેને કારણે સ્થાનિક લોકોએ શબવાહિનીને હટાવવાની માંગ કરી હતી અને શબ વાહિનીને માલપુર પોલિસ સ્ટેશને મુકી દેવાઇ હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ કર્યો હતો કે, રાત્રીના સમયે શબ વાહિનીમાં સાઈરન તેમજ લાઈટ ચાલુ થતું હતું, એટલું જ નહીં કેટલીક વાર તો શબવાહિનીનું લોક પણ ખુલ્લુ જોવા મળતું હતું.

હવે શું થયું?

મીડિયામાં સમાચાર ચાલ્યા બાદ પોલિસ દ્વારા શબ વાહિનીમાં દેખરેખ રખાઇ અને મોડી રાત્રે પ્રોબેશનલ ડીવાયએસપી ઇશ્વર પરમારે માલપુર પોલિસ સ્ટેશનના કંપાઉન્ડમાં પડેલી શબ વાહિનીની મુલાકાત કરી. મુલાકાત દરમિયાન કોઇ જ અનહોની ન થતી હોવાની વાત કરી છે. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે, "આ માત્ર અંધશ્રદ્ધા છે અને જો કોઇ વ્યક્તિને ડર હોય તો તેમની સાથે શબ વાહિનીમાં બેસવા તૈયાર છું."

Next Story