Connect Gujarat
સ્પોર્ટ્સ

ગીરસોમનાથ: એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં મનીષા વાળાએ મેળવ્યા ૨ બ્રોન્ઝ મેડલ, અભિનંદન નો કરાયો વરસાદ

ગુજરાતના ખેલાડીઓની સુષુપ્ત શક્તિ વધે અને તેને રમતગમત ક્ષેત્રે વધુ મોકળું મેદાન મળે તે માટે ગુજરાત સરકાર પણ ‘ખેલ મહાકુંભ’ જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે.

ગીરસોમનાથ: એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં મનીષા વાળાએ મેળવ્યા ૨ બ્રોન્ઝ મેડલ, અભિનંદન નો કરાયો વરસાદ
X

આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત તરફથી કિક બોક્સિંગમાં વિજય પતાકા લહેરાવનાર પ્રથમ મહિલા ખેલાડી અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની મનીષા વાળાએ થાઈલેન્ડમાં યોજાયેલ એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૨ બ્રોન્ઝ મેડલ મેળવી ગીર સોમનાથ સહિત ગુજરાત અને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.મનીષા વાળાએ ૧૦થી ૧૯ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન થાઈલેન્ડના બેંગકોકમાં યોજાયેલ એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઈવેન્ટમાં ૨૦ દેશોના ૫૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં તેમણે ઈરાન, ઉઝબેકિસ્તાન અને થાઈલેન્ડના ખેલાડીઓને ધૂળ ચટાડી ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં.

ગુજરાતના ખેલાડીઓની સુષુપ્ત શક્તિ વધે અને તેને રમતગમત ક્ષેત્રે વધુ મોકળું મેદાન મળે તે માટે ગુજરાત સરકાર પણ 'ખેલ મહાકુંભ' જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. મનીષા વાળાએ પણ ખેલ મહાકુંભમાં ખો-ખો, કબડ્ડી, હાઈ જમ્પ વગેરે જેવી એથ્લેટિક્સ સ્પોર્ટ્સમાં ભાગ લેતાં હતાં. જે પછી કિક બોક્સિંગમાં પોતાનું હીર ઝળકાવ્યું અને હવે તેઓ ઓલિમ્પિક માટે તનતોડ તૈયારી કરી રહ્યાં છે.મનીષાવાળાએ પોતાની આ જીતનો શ્રેય માતા પ્રાચીબહેન અને પિતા જગદીશભાઈને આપ્યો હતો. જેમણે આકરા સંઘર્ષમાં પણ રમત પ્રત્યે જુસ્સો ટકાવી રાખ્યો હતો. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, સરકારનું કામ રમતગમત ક્ષેત્રમાં પણ સારૂ રહ્યું છે. ખેલ મહાકુંભ જેવા પ્લેટફોર્મના માધ્યમથી જેમનામાં રમતગમતની પ્રતિભા રહેલી છે તેમને સરકાર એક ઉત્તમ તક પૂરી પાડે છે. જેથી ખેલાડીઓમાં કૌશલ્ય નીખરે છે અને રમતગમત ક્ષેત્રે પોતાનું આગવું કૌવત બતાવી પોતાની પ્રતિભાને નિખારી શકે છે.નોંધનીય છે કે, મનીષા વાળાએ અગાઉ ૨થી૬ નવેમ્બર ૨૦૨૨ દરમિયાન દિલ્હીના તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલ 2જી ઈન્ડિયન ઓપન ઈન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મનીષાવાળાને ગુજરાત માનવ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે.

Next Story