Connect Gujarat

IPL 2021: બીજા તબક્કા માટે 'કેપ્ટન કૂલ' ધોની ચેન્નઈ પહોંચ્યા, CSK ટીમ 13 ઓગસ્ટે UAE જવા થઈ શકે છે રવાના

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ના બીજા તબક્કાની તૈયારી માટે મંગળવારે ચેન્નઈ પહોંચ્યા છે.

IPL 2021: બીજા તબક્કા માટે કેપ્ટન કૂલ ધોની ચેન્નઈ પહોંચ્યા, CSK ટીમ 13 ઓગસ્ટે UAE જવા થઈ શકે છે રવાના
X

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ના બીજા તબક્કાની તૈયારી માટે મંગળવારે ચેન્નઈ પહોંચ્યા છે. અહીંથી ધોની ટીમના બાકીના સભ્યો સાથે યુએઈ જશે જ્યાં આઈપીએલની આ બીજા તબક્કાની મેચ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન રમાવાની છે. સીએસકેના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ટીમના ભારતીય ખેલાડીઓ 13 ઓગસ્ટના રોજ યુએઈ માટે રવાના થઈ શકે છે. CSK ના ચાહકોએ સોશિયલ મીડિયા પર ધોનીના ચેન્નાઈ આગમનની ઉજવણી કરી હતી.

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ પહોંચ્યો ત્યારે CSK એ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેના ટ્વીટમાં ટીમે ધોનીના ફોટો સાથે લખ્યું, "સિંહ દિવસની એન્ટ્રી." ધોનીની સાથે તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા પણ ચેન્નઈ પહોંચી ગયા છે. IPL 2021 ના બીજા તબક્કાની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે મુંબઈ ઇન્ડિયન્સ અને CSK વચ્ચે રમાવાની છે.

CSK ના CEO KS વિશ્વનાથને કહ્યું કે, "ભારતીય ખેલાડીઓ કે જેઓ જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે તેઓ 13 ઓગસ્ટે યુએઈ માટે રવાના થઈ શકે છે." વળી, વિશ્વનાથને કહ્યું કે યુએઈ જતા પહેલા ચેન્નઈમાં ટીમ કેમ્પ ગોઠવવામાં આવ્યો નથી.

IPL 2021ના બીજા તબક્કામાં ધોનીની આગેવાનીવાળી CSK ટીમ 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. કોરોના કેસને કારણે લીગ સ્થગિત થયા પહેલા CSK ની ટીમ સાત મેચમાંથી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને હતી.

તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં કોરોનાની બીજી લહેર દરમિયાન, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં ચેપના કેસ મળ્યા બાદ ભારતમાં રમાઈ રહેલી IPL મુલતવી રાખવામાં આવી હતી.


Next Story
Share it