Connect Gujarat
સ્પોર્ટ્સ

મહેસાણા : ભારતીય બેડમિન્ટન ટીમમાં તસ્નીમ મીરની પસંદગી, 20 વખત રહી ચુકી છે નેશનલ ચેમ્પિયન

તસ્નીમ મીર હવે સાયના નેહવાલ સાથે રમશે, 6 વર્ષની ઉમંરથી બેડમિન્ટનની કરી હતી શરૂઆત.

X

મહેસાણા જિલ્લાના રમતવીરો એક બાદ એક ગુજરાતનો ડંકો વગાડી રહયાં છે. મહેસાણાની 16 વર્ષીય તસ્નીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થતાં તે હવે આગામી દીવસોમાં સાયના નેહવાલ સાથે દેશનું પ્રતિનિધિત્વ કરશે.

મહેસાણાની તસનીમ મીર અંડર 19 સુધી બેડમિન્ટનમાં અત્યાર સુધીમાં 22 વખત ચેમ્પિયન રહી ચૂકી છે. નેશનલ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 6 વખત ચેમ્પિયન રહેલી તસનીમ મીરની તાજેતરમાં ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરાઈ છે. ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી ખેલાડી છે. તસ્નીમે તેના પિતા ઇરફાનભાઇ પાસેથી જ રમતની તાલીમ મેળવી છે. તસ્નીમ જ્યારે છ વર્ષની હતી ત્યારથી તેણે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે અભ્યાસની સાથે સાથે તેણે રમવાનું શરૂ કર્યું હતું.

તસ્નીમના પિતા ઈરફાન મીરે જણાવ્યું હતું કે તેનામાં રમવાની ધગશ હતી. જોકે આ રમતમાં વધુ ખર્ચ થતો હતો, જેથી મેં તસ્નીમને આ રમત છોડાવી દેવાનો વિચાર કરેલો, પરંતુ એ સમયગાળા દરમિયાન મિત્રો અને મારા પર અધિકારી દ્વારા મને તસનીમની રમત ચાલુ રાખવા જણાવ્યું હતું. ત્યાર બાદ કેટલાક પરિચિતો દ્વારા મદદ મેળવી તેણે વધુ આગળ રમવા મોકલી હતી. આજે તસ્નીમની સિનિયર ટીમમાં પસંદગી થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇરફાન મીર મહેસાણાના પોલીસ વિભાગમાં એએસઆઇ તરીકે ફરજ બજાવી રહયાં છે.

વડનગરના સુંઢિયા ગામની દિવ્યાંગ દીકરીએ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું ત્યાં તસ્નીમની બેડમિન્ટનની સિનિયર ટીમમાં પસંદગી થઇ છે. મહેસાણાના સાંસદ જુગલજી ઠાકોરે પણ તસ્નીમને અભિનંદન પાઠવી પ્રગતિના સોપાન સર કરે અને દેશનું નામ રોશન કરે તેવી આશા વ્યકત કરી છે.

Next Story