રાજયના એક રિકશા ચાલકનો અનોખો જુગાડ, વાહનોમાં હવે નહિ પડે પંચર

New Update
રાજયના એક રિકશા ચાલકનો અનોખો જુગાડ, વાહનોમાં હવે નહિ પડે પંચર

ભારત દેશમાં પ્રતિભાશાળી વ્યકતિઓની કમી નથી અને ભારતીયો તેમના જુગાડ માટે વિશ્વભરમાં જાણીતા છે. આવો જ એક જુગાડ અંકલેશ્વરના રીકશા ચાલકે કર્યો છે. રસ્તા પર પડેલી ખીલીઓ તથા લોખંડની અન્ય વસ્તુઓના કારણે વાહનોમાં પંચર પડતાં હોય છે પણ રીકશાચાલકના નુસખાથી વાહનોમાં પંચર પડવાની શકયતાઓ ઘટી છે.

મૂળ નવસારીના અને હાલ અંકલેશ્વરમાં રહેતા નિલેશ ભાઈ વર્ષોથી અંકલેશ્વર શહેરમાં રીક્ષા ફેરવવાનું વ્યવસાય કરે છે. રીકશા ફેરવતી વેળા તેમની રીકશામાં પંચર પડી જતાં મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. વારંવાર પડતા પંચરને રોકવા તેમણે અનોખો નુસખો અજમાવ્યો છે. તેમણે એવો જુગાડ કર્યો છે કે અન્ય વાહનોમાં પણ પંચર ન પડે. તેમણે પોતાની રીક્ષાની નીચે જુના સ્પીકર નું લોહી ચુંબક લટકાવ્યું છે. આનો ફાયદો એ થાય છે કે તેમની રીકશા જયાંથી પસાર થાય છે ત્યાં રસ્તા પર પડેલી લોખંડની વસ્તુઓ લોહીચુંબક સાથે ચોટી જાય છે. તેમના લોહીચુંબક નીચે રોજનો 400 ગ્રામથી વધારે લોખંડનો કચરો ચોટી જાય છે. તેમના આ જુગાડના કારણે વાહનોમાં પડતાં પંચરની સંખ્યા ઘટી છે અને લોકો તેમના જુગાડને આવકારી રહયાં છે.