ગોપીપુરા પોલીસ ચોકીના નકૂચા તોડી તસ્કરોએ કમ્પ્યૂટરના સીપીયુ, મોનીટરમાં તોડફોડ કરી રૂ. 20 હજારનું નુકસાન કર્યાની ફરિયાદ
સુરત શહેરની ગોપીપુરા પોલીસ ચોકીમાં દારૂ પીધેલી હાલતમાં ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ પોલીસ ચોકીમાં પડેલા કમ્પ્યૂટરનાં સાધોનામાં તોડફોડ કરી રૂ. 20 હજારનું નુકસાન કર્યું. જે પૈકી અઠવાલાઈન્સ પોલીસે સીસીટીવીના આધારે એક શખ્સની ધરપકડ કરી બીજા બે શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગોપીપુરા પોલીસ ચોકીમાં ત્રણમાંથી બે આરોપી પ્રવેશ્યા હોવાનું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. બન્ને આરોપીઓએ પોલીસ ચોકીમાં પ્રવેશ્યા હતાં. એક યુવકે આરોપીઓને પોલીસ ચોકીમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કરતાં તેની સાથે ઝઘડો કરી તેને માર મારી માથામાં પથ્થર માર્યો હતો. જે સમગ્ર ઘટના પોલીસ ચોકી સામેના સીસીટીવીમાં કેદ થઈ હતી. બાદમાં આ ઈસમોએ પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ચોકીમાં પ્રવેશ કરીને અંદાજે 20 હજારના મુદ્દામાલનું નુકસાન કર્યું હતું. પોલીસે સમગ્ર મુદ્દે ચક્રો ગતિમાન કરતાં એક આરોપીને ઝડપી લઈ અન્યને શોધવાની તજવીજ હાથ ધરી છે.
અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પરેશભાઈ કનુભાઈએ નોંધાવેલી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા. 30-7-18ના રાત્રે દસ વાગ્યાથી તા 31-7-18ના સવારે 11 વાગ્યા સુધીના સમયગાળામાં બંધ રહેલી ગોપીપુરા પોલીસ ચોકીના નકુચા કોઈ અજાણ્યાએ તોડી પોલીસ ચોકીમાં પડેલા કમ્પ્યૂટરના સીપીયુ અને મોનીટરમાં તોડફોડ કરી હતી. જેના કારણે રૂ. 20 હજારનું નુકસાન થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
આખો દિવસની મથામણના અંતે આખરે પોલીસે ગુનો નોંધવાનો નિર્ણય લીધો હતો. જેમાં આઇપીસીની કલમ 447, 427 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ 3, 5 અને 7 મુજબ ગુનો નોંધી પોલીસને પડકાર ફેંકનારા ગુનેગારોને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.