Connect Gujarat
Featured

સુરત : ભાજપના કોર્પોરેટરો હવે ખોટા કામ નહિ કરી શકે, દીલ્હીના સીએમ કેજરીવાલની ચીમકી

સુરત : ભાજપના કોર્પોરેટરો હવે ખોટા કામ નહિ કરી શકે, દીલ્હીના સીએમ કેજરીવાલની ચીમકી
X

ભાજપના ગઢ ગણાતાં સુરતમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડયું છે. મનપાની ચૂંટણીમાં 27 ઉમેદવારો વિજેતા બનતાં દીલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ શુક્રવારના રોજ સુરત આવ્યાં હતાં અને રોડ- શો કર્યો હતો. કેજરીવાલના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભુ ઉમટી પડયાં હતાં.

ગુજરાતના છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપને ભલે બહુમતી મળી હોય પણ રાજયના રાજકારણમાં હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ ચુકી છે. સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી ભાજપને 93 અને આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે. સુરતથી ગુજરાતના રાજકારણમાં પ્રવેશ માટે આમ આદમી પાર્ટીનો દરવાજો ખુલતાં ભાજપના નેતાઓના ટેરવા ચઢી ગયાં છે. ગુજરાતમાં રવિવારના રોજ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં રવિવારના રોજ મતદાન થવાનું છે ત્યારે શુક્રવારે દીલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરત ખાતે આવી પહોંચ્યાં હતાં. જયાં તેમણે વરાછાથી સરથાણા સુધીના વિસ્તારમાં રોડ શો યોજયો હતો. આમ આદમી પાર્ટીના રોડ - શોમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભુ ઉમટી પડયાં હતાં.

દીલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ શુક્રવારે સવારે હવાઇમાર્ગે દીલ્હીથી સુરત ખાતે આવી પહોંચ્યાં હતાં. સુરત એરપોર્ટથી તેઓ વરાછા ખાતે ગયાં હતાં જયાં વિવિધ સમાજના આગેવાનો તથા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકો સાથે બેઠક યોજી હતી. તેમણે નવા ચૂંટાયેલા નગરસેવકોને અભિનંદન આપી સુરતના મતદારોનો આભાર માન્યો હતો. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકામાં ભલે 27 બેઠકો મળી છે પણ અમારા કોર્પોરેટરો ભાજપના શાસકોને કોઇ પણ ખોટુ કામ નહી કરવા દે અને કરવાનો પ્રયાસ કરશે તો તેમને નાની યાદ કરાવી દેશે. સ્વચ્છ રાજકારણ કેવું હોય છે તે દેશ અને ગુજરાતના લોકો સુરત મહાનગરપાલિકામાં જોઇ શકશે.

Next Story