Connect Gujarat
Featured

સુરત : બમરોલીની ડાઈંગ મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, મિલ-મકાન-વાહનોને થયું મોટું નુકશાન

સુરત : બમરોલીની ડાઈંગ મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, મિલ-મકાન-વાહનોને થયું મોટું નુકશાન
X

સુરત જિલ્લાના બમરોલીમાં આવેલ ડાઈંગ મિલમાં ફરી આગ ફાટી નીકળતા લોકોમાં ભાગદોડ મચી હતી. આગના તણખલા આજુબાજુના મકાન અને વાહનો પર પડતા મોટું નુકશાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે આગ ઉપર પાણીનો મારો ચલાવી ફાયર ફાઇટરોએ ગણતરીના કલાકોમાં આગને કાબુમાં લીધી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના બમરોલી વિસ્તારમાં આવેલ મનહર ડાઈંગ મિલમાં ફરી એકવાર અચાનક આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. મનહર ડાઈંગ મિલના સ્ટીમ બોઇલરમાં લાગેલી આગ બાદ પહેલો માળ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. જોકે આગની ઘટનામાં મિલમાં હાજર કર્મચારીઓ પોતાનો જીવ બચાવી બહાર દોડી ગયા હતા. એટલું જ નહીં પણ આગના તણખલા આજુબાજુના મકાન અને વાહનો પર પડતા મોટું નુકશાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

જોકે, વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ લાગેલી આગમાં મનહર ડાઈંગ મિલની મશનરી તેમજ કાપડનો જથ્થો અને આજુબાજુના મકાનના છાપરા સહિત અનેક વાહનો સળગી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ફાયર ફાઇટરોએ 8થી વધુ ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં જ આગ કાબુમાં લીધી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હાલ મનહર ડાઈંગ મિલમાં આગ લાગવાની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થતાં સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story