Connect Gujarat
Featured

સુરત : ક્રેડાઈના સભ્યો તેમજ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ દ્વારા તમામ બાંધકામ સાઈટ બંધ રખાઇ, જાણો શું છે માંગણી..!

સુરત : ક્રેડાઈના સભ્યો તેમજ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ દ્વારા તમામ બાંધકામ સાઈટ બંધ રખાઇ, જાણો શું છે માંગણી..!
X

સુરત શહેરમાં સિમેન્ટ અને લોખંડ સહિત બાંધકામ માટે વપરાતી વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ સાથે ક્રેડાઈના સભ્યો તેમજ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ કંપનીઓ દ્વારા ખોટી રીતે લોખંડ અને સિમેન્ટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આ મામલે બિલ્ડરો દ્વારા પોતાનું કામકાજ બંધ રાખીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

સુરત શહેરમાં વિવિધ કંપનીઓ દ્વારા ખોટી રીતે સિમેન્ટ અને લોખંડ સહિત બાંધકામ માટે વપરાતી વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેના કારણે બાંધકામ ખર્ચમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે, જે બિલ્ડરોને પોસાય તેમ નથી, ત્યારે સુરત ક્રેડાઈના સભ્યો તેમજ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ દ્વારા સરકારને મધ્યસ્થી કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો સાથે જ સિમેન્ટ અને લોખંડનું ઉત્પાદન કરતી કંપનીઓના ભાવ વધારાના વલણને સરકારે મધ્યસ્થી કરીને નિયંત્રણમાં લાવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણના કારણે છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન રિયલ એસ્ટેટના વ્યવસાય ઉપર માઠી અસર પડી છે. મંદીના કારણે પ્લોટ અને મકાનો વેચાય નથી રહ્યા. તો બીજી તરફ રો-મટીરીયલના ભાવ સતત વધી રહ્યા છે. પરિણામે બિલ્ડરોની સ્થિતિ ઘણી દયનિય થઈ છે. બિલ્ડરોનું માનવું છે કે, જો સરકાર મધ્યસ્થી કરે તો કંપનીઓ દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, તેને કંઈક અંશે ઓછો કરીને બિલ્ડરોને મદદરૂપ થઈ શકાય તેમ છે. ઉપરાંત બિલ્ડરોના રિયલ એસ્ટેટ ઉદ્યોગને ફરીથી ઝડપભેર સ્થિર કરવા માટે સરકારે આ બાબતોને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ. તેવી માંગ સાથે સુરત ક્રેડાઈના સભ્યો તેમજ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

Next Story