Connect Gujarat
Featured

સુરત : ચલથાણ સુગર મિલમાંથી ઊડતી બગાસ અને રાખ, જુઓ પછી સ્થાનિકોએ શું કર્યું..!

સુરત : ચલથાણ સુગર મિલમાંથી ઊડતી બગાસ અને રાખ, જુઓ પછી સ્થાનિકોએ શું કર્યું..!
X

સુરત જિલ્લાના ચલથાણ સુગર મિલમાંથી ઉડતા બગાસ તેમજ રાખના કારણે આસપાસના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે 100થી વધુ સ્થાનિક મહિલાઓએ સુગર મિલની ઓફીસ પર ધસી આવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ઉડતી બગાસ અને રાખથી લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય છે, તો સાથે સાથે દિવસમાં અનેકવાર લોકોએ પોતાના મકાનની સાફ સફાઈ કરવી પડે છે.

સુરત જીલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ચલથાણ સુગર મિલની આજુબાજુની સોસાયટીના રહીશો માટે માથાના દુ:ખાવા સમાન બની રહી છે. જેનું મુખ્ય કારણ છે સુગર મિલમાંથી નીકળતા શેરડીના બગાસ તેમજ બોઈલરની રાખ, ત્યારે આસપાસની સોસાયટીની મહિલાઓ સુગર મિલ ખાતે ધરણા પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સુગર મિલની આસપાસ સ્વસ્તિક, કૃષ્ણ પાર્ક સહીતની 4થી 5 જેટલી સોસાયટીઓ આવેલી છે, ત્યારે સુગર મિ માંથી શેરડીના પીલાણ બાદ નીકળતો શેરડી કુચો (બગાસ) તેમજ બોઈલરની રાખ અહીની સોસાયટીઓમાં ઉડી આવે છે. જેના કારણે સ્થાનિકોને ભારે તકલીફ પડી રહી છે. તો બીજી તરફ ઘર બહાર પાર્ક કરેલા વાહનો પર પણ બગાસ અને રાખના થર જામી જાય છે. ઉપરાંત ઉડતી બગાસ સીધી આંખમાં આવી જતાં વાહનચાલકો પણ વાહન ચલાવી શકતા નથી, ત્યારે છેલ્લા એક વર્ષથી સ્થાનિક રહીશો આ બાબતે સુગર મિલના સંચાલકોને મૌખિક તેમજ લેખિતમાં ફરિયાદ કરી ચૂક્યા છે. પરંતુ સુગર સંચાલકો તરફથી આ મામલે કોઈ નિરાકરણ નહિ આવતા આખરે કંટાળેલા સ્થાનિકો ધરણા સહિત વિરોધ પ્રદર્શન કરવા માટે મજબુર બન્યા હતા.

જોકે ધરણા કરવા આવેલી મહિલાઓએ બગાસ તેમજ રાખનો કચરો બેગમાં ભરી લાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. લગભગ ૩ કલાકના ધરણા પ્રદર્શન બાદ સુગર મિલના પ્રમુખ મિલ પર દોડી આવી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ધરણા પર બેઠેલી મહિલાઓએ પ્રમુખની હાજરીમાં જ બગાસનો કચરો સુગર મિલની ઓફીસ બહાર ઠાલવ્યો હતો. જોકે સુગર મિલના પ્રમુખે સ્થાનિકોના પ્રશ્ન સાંભળી આ કામગીરી નહિ થવા લોકડાઉનને કારણભૂત ગણાવ્યું હતું. જોકે હવે પીલાણની સીઝન પૂરી થયા બાદ તાત્કાલિક અસરથી લોકોની સમસ્યા દૂર કરવા કાર્યવાહી હાથ ધરવા માટેની બાહેંધરી આપી હતી.

Next Story