સુરત : કોરોનાના કહેર વચ્ચે મનપાની ગંભીર બેદરકારી, કોરોના ટેસ્ટિંગ ચેક પોસ્ટ પર અધિકારીઓની ગેરહાજરી

0

સુરત શહેરમાં કોરોના સંક્રમણ વચ્ચે મનપાની બેદરકારી સામે આવી છે. મનપાના ચેકિંગ ચેકપોસ્ટ પર કોરોના ટેસ્ટિંગના દાવા પોકળ સાબિત થયા છે. જેમાં અન્ય રાજ્યમાંથી શહેરમાં પ્રવેશ કરતા પ્રવેશ દ્વાર પર ટેસ્ટિંગ સેન્ટર તો બનાવી દેવામાં આવ્યા છે. પરંતુ ત્યાં કોઈ અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા અનેક વાહનો સુરતમાં પ્રવેશી રહ્યા છે. તો શું આવી રીતે મનપાના કર્મચારીઓ કોરોના સંક્રમણ અટકાવશે.

સુરત શહેરમાં દિવાળી બાદ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સુરતમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. શહેરમાં માસ્ક વગર દેખાઈ આવતા લોકો પાસે દંડ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપા દ્વારા શહેરના પ્રવેશદ્વારે ચેકપોસ્ટ પર ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં અન્ય રાજયોમાંથી સુરતમાં પ્રવેશતા લોકોના ટેસ્ટિંગ ફરજિયાત થતાં હોવાનો મનપાએ દાવો કર્યો છે.

મનપા કમિશનરે પણ જણાવ્યું હતું કે, શહેરમાં 72 જેટલા કોરોના ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાત ટેસ્ટિંગ કરાવવાનું રહેશે. પરંતુ મનપાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ભાટિયા ચેકપોસ્ટ પર ટેસ્ટિંગ સેન્ટર તો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ સ્થળ પર મનપાના કોઈ કર્મચારીઓ હાજર ન રહેતા અનેક રાજ્યોમાંથી આવતા લોકો બિન્દાસ્તપણે શહેરમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે સુરતમાં પ્રવેશી રહેલા લોકો પૈકી કોઈ કોરોના સંક્રમિત હોય તો શહેરમાં ઝડપી કોરોનાનો કહેર વધી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here