Connect Gujarat
Featured

સુરત : મેટ્રો ટ્રેન પ્રોજેકટનું પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ ભૂમિપૂજન

સુરત : મેટ્રો ટ્રેન પ્રોજેકટનું પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ ભૂમિપૂજન
X

સુરત માટે મહત્વાકાંક્ષી ગણાતા 12020 કરોડના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્લીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં વધુ એક શહેરને મેટ્રોનું નજરાણું મળ્યું છે. દક્ષિણ ગુજરાતનાં સૌથી મોટા અને રાજ્યના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં આજથી મેટ્રો સેવાના કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે. જેનું ખાતમુર્હુત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવ્યું છે. ભૂમિપૂજન પ્રસંગમાં વડાપ્રધાન સહિત વર્ચ્યુઅલ રીતે ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી હરદીપસિંગ પૂરી અને ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા હતા.

આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન પણ 17 હજાર કરોડથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થઈ રહ્યું છે. અમદાવાદ-સુરત ગુજરાતનું આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આ મેટ્રો પ્રોજેક્ટ અમદાવાદ-સુરતમાં કનેક્ટિવિટીનું કામ કરશે. સુરત એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ છે અને સુરત વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર છે.

સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલાં સ્ટેશનોનું નિર્માણ થશે, જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે રૂા.779 કરોડ અને સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી રૂા.941 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે. આ બંને ફેઝનું કામ આજે શરૂ થઇ જશે! કોન્ટ્રાક્ટરે 30 મહિનાની અંદર કામ પૂર્ણ કરવાનું રહેશે, જેથી 2023 સુધીમાં બંને રૂટનું કામ પૂર્ણ થશે તેવો આશાવાદ છે. જોકે હજુ સુધી જમીનના કબજો લેવાની કામગીરી બાકી હોવાથી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થવાની શક્યતા નહિવત જણાઇ રહી છે.

ડાયમંડ બુર્સને લઈને વિશેષ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ડાયમંડ બુર્સ પર સ્ટેશન બે માળનું હશે. જેમાં પહેલા માળ પર ટિકિટ કાઉન્ટર, વેઈટિંગ એરિયા, ચેક ઈન ગેટ હશે. અને બીજા માળ પર પ્લેટફોર્મ હશે. જ્યાં પ્લેટફોર્મ એક અને પ્લેટફોર્મ 2 પર ટ્રેન આવશે. આ સ્ટેશનની ક્ષમતા એક વખતમાં 1500 પેસેન્જર હશે.દરેક રૂટ પર ચાર મેટ્રો ટ્રેન દોડવામાં આવશે મેટ્રો 30 સેકન્ડ જ ઉભી રહેશેદરેક કોચની અંદર 136 સીટ હશે ત્રણેય કોચમાં 764 લોકો સફર કરી શકશે. જેમાં 136 સિટો હશે જ્યારે 628 લોકો ઉભા રહીને સફર કરી શકશે.

Next Story