સુરત : અડાજણ નજીક કારમાંથી જીમના માલિકનો મૃતદેહ મળ્યો, રહસ્યમય મોત અંગે પોલીસ તપાસ શરૂ

New Update
સુરત : અડાજણ નજીક કારમાંથી જીમના માલિકનો મૃતદેહ મળ્યો, રહસ્યમય મોત અંગે પોલીસ તપાસ શરૂ

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જીમ માલિક અને ટ્રેઈનરનું પોતાની જ કારમાં મોતને લઈને રહસ્ય સર્જાયું છે. જોકે, કારમાંથી ઈન્જેક્શન અને નશાકારક દ્રવ્ય મળતા ઓવરડોઝના કારણે મોત થયું હોવાની આશંકા છે, ત્યારે હાલ મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

મળતી માહિતી અનુસાર, સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય મેજલ કેરીવાલા સ્ટેટ લેવલે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વિજેતા બન્યો હતો. મેજલ કેરીવાલા ઉધનાના પોતાનું જીમ પણ ચલાવતો હતો. જોકે ગત મોડી રાતે અડાજણ રોડ નજીક પોતાની જ કારમાંથી મેજલનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારે જીમમાંથી મોડી સાંજે પોતાની કારમાં નીકળેલા મેજલનો અકસ્માત થયો હોય તેમ એક બાજુનો કાચ પણ તૂટેલો જણાઈ આવ્યો હતો. ઉપરાંત પોલીસને કારમાંથી ઇન્જેક્શન અને અન્ય નશાકારક દ્રવ્યો પણ મળી આવ્યા હતા. જોકે પીએમ બાદ માલૂમ પડશે કે, આત્મહત્યા છે કે, પછી નશાકારક દ્રવ્યના ઓવરડોઝ લેવાથી મેજલ કેરીવાલાનું મોત થયું છે.