Connect Gujarat
Featured

સુરત : ગરીબ દર્દીઓની સારવાર માટે સરકારનું “વાતસલ્ય”, પણ ગંભીર દર્દીઓને પણ ઉભા રખાયાં કતારમાં

સુરત : ગરીબ દર્દીઓની સારવાર માટે સરકારનું “વાતસલ્ય”, પણ ગંભીર દર્દીઓને પણ ઉભા રખાયાં કતારમાં
X

સુરતમાં સરકારની મા વાત્સલ્ય યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા ઓક્સિજન અને વેન્ટિલેટર પર રાખેલા ગંભીર દર્દીઓને લાઈનમાં ઉભા કરી દેવામાં આવતાં હોવાની ફરિયાદો ઉઠી છે.

ગંભીર બિમારીઓથી પિડાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વાત્સલ્ય કાર્ડ યોજના બનાવામાં આવી છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારના લોકો પોતાની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે. સુરતમાં માં વાત્સલ્ય કાર્ડ નો લાભ લેવા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો હોવાની ફરીયાદો ઉઠી છે. ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓને પણ કાર્ડ માટે કતારમાં ઉભા રાખી દેતા હોવાના આક્ષેપો થઇ રહયાં છે.

સુરત શહેરના દિલ્લી ગેટ ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં ધીરજ પાટીલ મણકાના ઓપરેશનની સારવાર માટે દાખલ થયાં છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મણકાના ઓપરેશનનું ખર્ચ ઉઠાવી શકતા નથી જેથી તેમણે રાજ્ય સરકારની મા વાત્સલ્ય કાર્ડનો લાભ લેવા અરજી કરી હતી. માં કાર્ડ કઢાવવા ધીરજ ભાઈના પિતા ગંભીર હાલતમાં મનપાની એમ્બ્યુલન્સ મારફત કતારગામ હેલ્થ સેન્ટર પર લઈ આવ્યા હતાં. પુત્રનો જીવ બચાવવા મા કાર્ડ કઢાવવા વૃધ્ધ પિતાને રઝળપાટ કરવી પડી હતી.

બીજી ઘટના પુણાગામમાં રહેતા મમતાબેનના હદયમાં પીસ મેકર મુકવા ઓપરેશનના રૂપિયા 4 લાખ કરતા વધુનો ખર્ચ હોવાનું જણાવાયું હતું. મમતા બેનની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે માં કાર્ડ કઢાવવા અરજી કરી હતી. માં કાર્ડ કાઢવા મમતાબેનને 108 મારફત ગંભીર હાલતમાં જીવના જોખમે કતારગામ હેલ્થ સેન્ટર પર લઈ આવ્યા હતાં. સુરતમાં રોજ આવા અનેક કિસ્સાઓ સામે આવી રહયાં છે ત્યારે સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓ ગરીબ દર્દીઓ પ્રતિ વાતસલ્ય બતાવે તે જરૂરી બની ગયું છે.

Next Story