તાડી પીવા ગયેલા ઇચ્છાપોરના યુવાનનું રહસ્યમય મોત
તાડીના કારણે મોત થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ
તાડીના અડ્ડા પર આક્રોશિત પરિવારજનોનો હલ્લાબોલ
જનતા રેડમાં મોટી સંખ્યામાં કોથળીઓમાંથી તાડી મળી
પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ આદરી
સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં તાડી પીવા ગયેલા 18 વર્ષીય યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાડી વેચનારના ઘરે જનતા રેડ કરી ભારે હલ્લો મચાવ્યો હતો.
સુરત શહેરના ઇચ્છાપોરની બોમ્બે કોલોનીમાં રહેતો અને છૂટક મજૂરી કરતો 18 વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત કચેનભાઈ રાઠોડ તેના મિત્રો સાથે ભાઠાગામ ખાતે તાડી પીવા ગયો હતો. જોકે, આ યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાડી વેચનારના ઘરે જઈને જનતા રેડ કરી હતી, અને તાડીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો હતો. જોકે, શરૂઆતમાં પોલીસની ઢીલી કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સંબંધીઓના આક્ષેપ મુજબ, તાડી પીતી વખતે મિત્રો વચ્ચે મજાક-મસ્તીમાં ગાળાગાળી થઈ હતી, જેણે ઝઘડાનું સ્વરૂપ લીધું અને ત્યારબાદ મારામારી થઈ હતી. મારામારી બાદ રાખલનગર પાસે રાહુલની તબિયત રહસ્યમય સંજોગોમાં અચાનક લથડી અને તે ઢળી પડ્યો હતો. બેભાન થયેલા રાહુલને તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે, તાડીના કારણે તેનું મોત નિપજ્યું છે. કારણ કે મારામારીના નિશાન પણ તેના શરીર પર નથી. બનાવની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, શરૂઆતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાના બદલે માત્ર તાડીનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસ સ્થળ પરથી જતી રહી હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો.