દિવાળીના તહેવારો દરમ્યાન માદરે વતન જતા લોકો માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની 1100 બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં "એસ.ટી. આપના દ્વારે" સૂત્રને સાર્થક કરવા એસ.ટી. વિભાગ દ્વારા ઘર આંગણે જ લોકોને એસ.ટી. બસની સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હાલ 1100 પૈકી 352 જેટલી બસોનું એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે.
એસ.ટી. વિભાગ દ્વારા 51 સીટોનું ગ્રુપ બુકિંગ ખૂબ જ નજીવા દરે કરવામાં આવી રહ્યું છે. જેમાં અમરેલી, સાવરકુંડલા, ભાવનગર, મહુવા, ગારીયાધાર, જૂનાગઢ અને રાજકોટ સહિત તળાજા, ગઢડા, જામનગર, અમદાવાદ, પાલનપુર, ઝાલોદ, દાહોદ સહિતના શહેર અને ગામડાઓ તરફ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય પંચમહાલ અને મહારાષ્ટ્ર વતન જવા માંગતા લોકો માટે પણ ખાસ વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે. એસ.ટી. વિભાગ દ્વારા તમામ ડેપો પરથી ઓનલાઈન ગ્રુપ બુકીંગની વ્યવસ્થા પણ GSRTCની વેબસાઈટ WWW.GSRTC.IN પર કરવામાં આવી છે. આ સાથે અધિકૃત કરાયેલા 19 જેટલા એજન્ટો પાસેથી પણ મુસાફરો એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. ગત વર્ષની સરખામણીએ ચાલું વર્ષે એસ.ટી. વિભાગને શરૂઆતના ધોરણે જ એડવાન્સ બુકિંગ પણ સારું મળી રહ્યું છે. જે બુકિંગ બમણું થવાની શક્યતા એસ.ટી. વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.