મૂળ અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકડ કરાય
ભારતીય પાસપોર્ટ મેળવવા બનાવ્યા નકલી દસ્તાવેજો
આરોપીએ સંવેદનશીલ દસ્તાવેજો પણ મેળવી લીધા
મહારાષ્ટ્રના એક મિત્ર સાથે મળીને રચ્યું હતું કાવતરું
એક શખ્સની ધરપકડ, જ્યારે અન્ય શખ્સ ફરાર થયો
પોતાની ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી દસ્તાવેજો બનાવનાર મૂળ અફઘાનિસ્તાની નાગરિકની ચોકબજાર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, 42 વર્ષીય આરોપી મોહમદ આમીર જાવીદ ખાન મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે. હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલ્બાર પ્લસ બિલ્ડિંગમાં રહેતો હતો. આરોપી મોહમદ આમીર યુ.એન. રેફ્યુઝી એજન્સી ઇન્ડિયામાંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને ભારતમાં વસવાટ કરતો હતો. પરંતુ, મોહમદ આમીર જાવીદ ખાને ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચમાં નકલી દસ્તાવેજો બનાવવા મહારાષ્ટ્રના જાલના ખાતે રહેતા તેના મિત્ર અગજાન સાથે મળીને કાવતરું રચ્યું હતું.
આ કાવતરાના ભાગરૂપે, તેણે એવું દર્શાવ્યું કે, તેનો જન્મ 04 જૂન, 1983ના રોજ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો હતો. આ દર્શાવવા માટે, જાલના મહાનગરપાલિકા કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવડાવવામાં આવ્યું, જેના આધારે આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હતો. એટલું જ નહીં, તેણે ખોટા દસ્તાવેજોના આધારે ભારત સરકારના આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સંવેદનશીલ દસ્તાવેજો પણ મેળવી લીધા હતા. સમગ્ર મામલે મોહમદ આમીર જાવીદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી મોહમદ આમીર જાવીદ ખાનની ધરપકડ કરી છે, જ્યારે વોન્ટેડ આરોપી અગજાનની ધરપકડના પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.