-
પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ આરપારના મૂડમાં
-
અમરેલી લેટરકાંડના વિરોધમાં સુરત ખાતે વિરોધ પ્રદર્શન
-
વરાછાના માનગઢ ચોક ખાતે કરાયું હતું ધરણાંનું આયોજન
-
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી-પ્રતાપ દુધાત રહ્યા હતા ઉપસ્થિત
-
કોંગી નેતાઓ ધરણાં કરે તે પહેલાં પોલીસે કરી અટકાયત
અમરેલી લેટરકાંડના વિરોધમાં સુરત ખાતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગી કાર્યકરો ધરણા પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.
હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે યુવતીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ધરણાની જાહેરાત કરવામાં આવી હતી. તા. 13 જાન્યુઆરીના રોજ સુરતમાં પરેશ ધાનાણી દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શહેરના વરાછા વિસ્તારના મીની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ સરદાર પ્રતિમાને ફુલહાર કરીને ધારણા શરૂ કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી. ધરણા પ્રદર્શનને પગલે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધરણા અંગેની પોલીસ દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી નહોંતી, જેથી પોલીસ દ્વારા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના 40થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી સાથે અટક કરી લેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે એક બનાવટી લેટર વાયરલ થયો હતો. આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મામલો ગંભીર બનતા પોલીસે પાયલ ગોટી સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ દરમિયાન, આરોપી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું હોવાના આક્ષેપો બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. એસપી દ્વારા SIT ટીમની રચના કરવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે.