નકલી પોલીસ બની તોડ કરવાનો મામલો
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો
હળવી કલમ ઉમેરવા પીઆઈએ માંગી હતી લાંચ
કિમ પો.સ્ટે.માં ACBએ ગોઠવ્યું હતું છટકું
3 લાખની લાંચમાં પીઆઇ અને વકીલની ધરપકડ
સુરત ગ્રામ્યના કિમ પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ આરોપીએ અસલી પોલીસનો ખેલ પાડ્યો હતો,જેમાં અમદાવાદ એસીબી દ્વારા લાંચનું સફળ છટકું ગોઠવીને પોલીસ ઇન્સ્પેકટર પી.એચ. જાડેજા અને એક વકીલને 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
સુરત જિલ્લાના ઓલપાડના મૂળદ ગામે ફાર્મ હાઉસમાં યુવકો પાસેથી નકલી પોલીસે 13 લાખ રૂપિયાનો તોડ કર્યાનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જે ગુનામાં કિમ પોલીસે નકલી પોલીસ બનેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપી રિમાન્ડ હેઠળ હતા. રિમાન્ડ દરમિયાન આરોપી સાથે ગુના સંબંધિત વાતચીત ચાલી રહી હતી. જોકે આરોપીઓને મારવા નહિ તેમજ કલમો હળવી કરવા સહિતની વાતો વચ્ચે પી.આઈ દ્વારા રૂપિયાની માંગણી કરાઇ હતી. ત્રણ લાખ પર વાત અટકી હતી. ફરિયાદી દ્વારા એ.સી.બીનો સંપર્ક કરવામાં આવતા અમદાવાદ એ.સી.બી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પી.આઈ પી.એચ.જાડેજા તેમજ વકીલની રૂપિયા 3 લાખની લાંચમાં ધરપકડ કરવામાં આવી હતી.એસીબીની સફળ ટ્રેપમાં પીઆઇ અને વકીલ સકંજામાં ફસાતા પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી.